ધોરણ-10 [ગુજરાતી] 13. વતનથી વિદાય થતાં | std-10 [gujarati] 13. vatanthi viday thata

GSEB Std 10 Gujarati Chapter 13 Vatanthi Viday Thata Swadhyay Solution: અહીં ધોરણ 10 ગુજરાતી (પ્રથમ ભાષા) વિષયના પાઠ 13 "વતનથી વિદાય થતાં" (સૉનેટ - જયંત પાઠક) નો કવિ પરિચય, સૉનેટનો ભાવાર્થ, શબ્દાર્થ, અલંકાર તથા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સચોટ જવાબો આપેલ છે.

std-10-gujarati-13-vatanthi-viday-thata-eclassguru

✦ કવિ પરિચય અને સૉનેટનો ભાવાર્થ ✦

કવિ પરિચય : જયંત પાઠક (જન્મ : 20-10-1920, અવસાન : 01-09-2003)નો જન્મ ગોઠ (જિ. પંચમહાલ)માં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કૉલેજમાં અધ્યાપન કર્યું. 'મર્મર', 'સંકેત', 'વિસ્મય', 'મૃગયા', 'અનુનય' તેમના કવિતાસંગ્રહો છે; 'ક્ષણોમાં જીવું છું' સમગ્ર કવિતાનો ગ્રંથ છે. 'વનાંચલ' તેમની નોંધપાત્ર સ્મરણકથા છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીના ઍવૉર્ડ મળ્યા છે.

કાવ્યપ્રકાર : સૉનેટ ('અંતરીક્ષ'માંથી)

નોંધ : કાવ્ય પાઠ્યપુસ્તકમાંથી વાંચવું અને QR કોડમાંથી સાંભળવું. અહીં ભાવાર્થ આપેલો છે.

  • વતન છોડવાની પીડા : વર્ષો પછી વતનમાં આવેલા કવિને ફરી વિદાય લેવાની ક્ષણ આવી છે. ઘણા વર્ષે મળેલાં વન, સ્વજનો, ડુંગર, નદી, કોતરો અને ખેતર તેઓ છોડી રહ્યા છે. બંધ થયેલા ઘર તરફ આંખો વારંવાર પાછી વળીને જુએ છે - જેમ વેચાઈ ગયેલું ઢોર પોતાના જૂના કોઢાર અને માલિક માટે તલસે.
  • અટકતા પગ : કેડી આગળ જાય છે, પણ પગ અવળા પડે છે અને માંડ ઊપડે છે. આંખો ભરાઈ જાય છે, વૃક્ષની કાંટાળી ડાળી નડે છે અને હૈયું ઉઝરડાય છે. દૂર નદીની રેતીમાં રમેલી આંગળીઓ હજી પણ એ યાદમાં રમે છે.
  • મનને સમજાવવું : કવિ જીવને સમજાવે છે કે સમયના વહેણમાં પાછા ઊલટી દિશામાં વહેવું શક્ય નથી, તેથી આંસુ લૂછી આગળ જવું પડશે. ભૂતકાળનો ભાર માથે લઈ વગર પૂછ્યે વેઠિયાની જેમ શું ચાલવું ? સાથે આવેલો કૂતરો પણ પોતાની હદ પૂરી થતાં પાછો વળી જાય છે.
  • અંતિમ ભ્રમ : દૂર ખેતરમાં કવિને લાગે છે કે બે હાથ ઊંચા કરી કોઈ તેમને રોકે છે - શું એ ભ્રમણા છે ? જાણે રિસાયેલા બાળકને બોલાવતી મા હોય ! અહીં વતનની ધરતી માતારૂપે દેખાય છે; વતનવિચ્છેદની વેદનાની આ પરાકાષ્ઠા છે.

✦ શબ્દ-સમજૂતી ✦

શબ્દાર્થ / સમાનાર્થી શબ્દો : કોઢાર - ઢોરને બાંધવાની જગા; કેડી - સાંકડો પગરસ્તો, પગદંડી; પાય - પગ; તરુ - ઝાડ; વેકુર - નદીની કાંકરાવાળી જાડી રેતી; ઉપરવાસ - પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા; ભૂત - ભૂતકાળ, થઈ ગયેલું; વેઠિયા - વગર મહેનતાણાથી કામ કરનાર

તળપદા શબ્દો : ભાળવું - જોવું; તલખવું - તલસવું, તડપવું; ભીડવું - બંધ કરવું; આઘે - દૂર; લૈ - લઈ

શબ્દસમૂહ માટે એક શબ્દ : ગાયોનો સમૂહ - ગોધણ

ભાષા-અભિવ્યક્તિ : 'એ મૂક્યું વન, એ મૂક્યાં જન'માં 'મૂક્યું', 'મૂક્યાં' ક્રિયાપદો બધું છોડી દીધાનો વિશેષ અર્થ આપે છે. 'કાળના વહેણમાં ઉપરવાસ વહેવું' (રૂપક), 'વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર' (દૃષ્ટાંત), 'વણપૂછ્યે શા વેઠિયા ચાલવું' (ઉપમા) અલંકારો છે. 'વળી વળી'નું પુનરાવર્તન કવિની વિહ્વળતા સૂચવે છે.

✦ સ્વાધ્યાય ✦

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓)ની નિશાની કરો :

(1) કવિને શાની ભ્રમણા થાય છે ? (A) બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની (B) શહેરની ગીચ વસ્તીની (C) પોતાની પત્નીની (D) પુત્રની
જવાબ : (A) બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની (✓)

(2) વતનથી વિદાય થતાં કવિ અનુભવે છે.... (A) શહેરી દુનિયાની મજા-મસ્તી (B) ઉલ્લાસ અને આનંદ (C) વતન પ્રત્યેનો તિરસ્કાર (D) વતન માટેનો તલસાટ
જવાબ : (D) વતન માટેનો તલસાટ (✓)

2. નીચેના પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર આપો :

(1) વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે ?
જવાબ : વતનથી વિદાય થતાં કવિ વન, સ્વજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર અને પોતાના ઘરથી દૂર થઈ રહ્યા છે.

3. નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

(1) કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે કારણ કે...
જવાબ : કવિને વતન સાથે ઊંડી આત્મીયતા છે. વર્ષો પછી મળેલાં વન, સ્વજનો, નદી, ખેતર અને ઘર છોડતાં તેમનું હૃદય વ્યથિત છે; આંખો આંસુથી ભરાઈ જાય છે. વતનની માયા તેમને પાછા ખેંચે છે, તેથી તેમના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે.

4. નીચેના પ્રશ્નોના સાત-આઠ વાક્યોમાં ઉત્તર આપો :

(1) વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો.
જવાબ : વર્ષો પછી વતનમાં આવેલા કવિને ફરી વિદાય લેવાની ઘડી આવી છે. ઘણા વર્ષે મળેલાં વન, સ્વજનો, ડુંગર, નદી, કોતરો અને ખેતર છોડતાં તેમને ખૂબ પીડા થાય છે. બંધ ઘર તરફ તેમની આંખો વારંવાર પાછી વળે છે; જેમ વેચાઈ ગયેલું ઢોર જૂના કોઢાર માટે તલસે તેમ તેઓ વતન માટે તલસે છે. પગ અવળા પડે છે અને માંડ ઊપડે છે; આંખો ભરાઈ આવે છે અને રસ્તામાં નડતી કાંટાળી ડાળીથી જાણે હૈયું ઉઝરડાઈને લોહી ટપકે છે. નદીની રેતીમાં રમેલું બાળપણ યાદ આવે છે. સમય પાછો ફરતો નથી એમ મનને સમજાવી તેઓ આંસુ લૂછી આગળ વધે છે. સાથે આવેલો કૂતરો પણ હદ પૂરી થતાં પાછો વળી જાય છે અને કવિ એકલા પડે છે. અંતે દૂર ખેતરમાં જાણે મા બે હાથ ઊંચા કરી તેમને પાછા બોલાવતી હોય એવો ભ્રમ થાય છે. આમ, કાવ્યમાં વતનવિયોગની તીવ્ર વેદના વ્યક્ત થઈ છે.

(2) કાવ્યપંક્તિ સમજાવો : "આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી - એ મારી ભ્રમણા ? રિસાળ શિશુને બોલાવતી બા હતી !!"
જવાબ : વતનથી વિદાય લેતા કવિ દૂર પોતાના ખેતર તરફ નજર કરે છે. તેમને લાગે છે કે ખેતરમાં કોઈ બે હાથ ઊંચા કરી તેમને જતા રોકી રહ્યું છે. કવિ પોતાને પૂછે છે કે શું આ મારી ભ્રમણા છે ? જેમ રિસાઈને જતા બાળકને મા બે હાથ ઊંચા કરી પાછું બોલાવે, તેમ વતનની ધરતી - જાણે પોતાની માતા - કવિને પાછા બોલાવી રહી છે. આ ભ્રમ નહીં પણ કવિના હૃદયની વતનપ્રીતિ છે. આ પંક્તિઓમાં વતન ઝુરાપાની વેદના પરાકાષ્ઠાએ પહોંચે છે અને વતનની ધરતી 'મા' રૂપે પ્રગટે છે.

✦ વિદ્યાર્થીની પ્રવૃત્તિ ✦

• વર્ગખંડમાં સમૂહમાં આ કાવ્યનું ભાવવાહી પઠન કરો. • 'મારાં બાળપણનાં સંસ્મરણો' વિશે નિબંધ લખો. • 'વનાંચલ' સ્મરણકથાનો ગમતો અંશ વર્ગમાં વાંચી સંભળાવો.

જવાબ : આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીએ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જાતે કરવાની છે.

🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments