ધોરણ-10 [ગુજરાતી] 18. ભૂખથીય ભૂંડી ભીખ | std-10 [gujarati] 18. bhukhthiy bhundi bhikh

GSEB Std 10 Gujarati Chapter 18 Bhukhthiy Bhundi Bhikh Swadhyay Solution: અહીં ધોરણ 10 ગુજરાતી (પ્રથમ ભાષા) વિષયના પાઠ 18 "ભૂખથીય ભૂંડી ભીખ" (નવલકથાખંડ - પન્નાલાલ પટેલ) નો લેખક પરિચય, પાઠનો સાર, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ તથા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સચોટ જવાબો આપેલ છે.

std-10-gujarati-18-bhukhthiy-bhundi-bhikh-eclassguru

✦ લેખક પરિચય અને પાઠનો સાર ✦

લેખક પરિચય : પન્નાલાલ પટેલ (જન્મ : 07-05-1912, અવસાન : 06-04-1989)નો જન્મ માંડલી (હાલ રાજસ્થાન) ગામમાં થયો હતો. 'વળામણાં', 'મળેલા જીવ', 'માનવીની ભવાઈ' તેમની નોંધપાત્ર નવલકથાઓ; 'સુખદુઃખનાં સાથી', 'વાત્રકને કાંઠે', 'ઓરતા' વાર્તાસંગ્રહો છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા છે.

સાહિત્યપ્રકાર : નવલકથાખંડ ('માનવીની ભવાઈ'માંથી)

  • છપ્પનિયો દુકાળ : વરસાદ ન આવતાં ધરતી પર જાણે મોતનો વરસાદ વરસતો હતો; ચારે બાજુ મડદાં જ મડદાં હતાં. કાળુના ઘરમાં પણ સાસુ અને કાકાજી મૃત્યુ પામ્યાં; વાણિયા પાસેથી ઉછીના આણેલા કોદરા પણ ખૂટવા આવ્યા. અષાઢમાં પણ આકાશ ચોખ્ખું અને તાપ અસહ્ય હતો.
  • સદાવ્રત : ડેગડિયાના મહાજનોએ સુંદરજી શેઠના કહેવાથી કોઠારમાંથી અડધી કિંમતે અને અડધું ધરમમાં ધાન આપવાનું શરૂ કર્યું. ભૂખે ટેકને ઠોકરે ચડાવી અને ધરમાદું લેનારા વધતા ગયા.
  • કાળુનો સ્વમાન : રાજુએ સમજાવ્યો કે કોઠારમાં આપણું જ ધાન છે, છતાં કાળુ ખેડૂત-દીકરો હોવાથી હાથ ધરવા તૈયાર નહોતો. અંતે રાજુની જીદથી સાથે ગયો, પણ લાઇનમાંથી પાછો વળી ગયો. સિપાઈએ રોક્યો ત્યારે કહ્યું, "કણબી છું એટલે નઈં લઉં."
  • સુંદરજી શેઠ : શેઠે કાળુને પાસે બોલાવી પૂછ્યું. કાળુની આંખમાંથી આંસુ સરી પડ્યાં - "અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારાં કાળજાં શું કે'તાં..." શેઠે સમજાવ્યું કે અમને પણ સદાવ્રત ખોલતાં શરમ આવે છે; કુદરત આગળ સૌ લાચાર છે. હાથ ધરતાં સંકોચ થાય તો ઓટલે ઝાડુ મારી જજે - "તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ નથી."
  • અંત : કાળુ દોઢપાશેર ખીચડી લઈ પાછો આવે છે અને રાજુને કહે છે કે ભૂખથીય ભૂંડી ભીખ છે - ભૂખ તો હાડમાંસ ગાળે છે, પણ ભીખ આપણા ગુમાનને અને આત્માને પણ ઓગાળી નાખે છે. રાજુ કહે છે કે ડાકણમાં ડાકણ ચિંતા છે. ઘરે પહોંચતાં ઓટલો ચડતાં ભૂખ અને વિચારોથી કાળુ ઝીંકાઈ પડે છે.

✦ શબ્દ-સમજૂતી ✦

શબ્દાર્થ / સમાનાર્થી શબ્દો : અદેખાઈ - ઈર્ષ્યા, બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી; છપ્પના - છપ્પનિયો દુષ્કાળ (સંવત 1956); શાળ - શાલિ, ડાંગર, કમોદ; કંગાળ - દરિદ્ર, ગરીબ; હાર - કતાર; તમંચો - પિસ્તોલ

તળપદા શબ્દો : લાટ - મોટા સાહેબ, સત્તાધીશ; આણેલા - લાવેલા; સોગન - સોગંદ, કસમ; આભલું - આકાશ, વાદળ; આલવું - આપવું; મલક - દેશ, મુલક; ધરમ - ધર્મ; હેંડો હેંડો - ચાલો ચાલો; પાશેર - શેરનો ચોથો ભાગ; પરથમી - પૃથ્વી; ફડક - પહેરેલા કપડાનો ઝૂલતો છેડો; પલ્લો - પ્રલય, વિનાશ; વાહે - લીધે; નઈં - નહીં; ધિક્ - ધિક્કાર; પેટિયું - રોજી, પેટ માટે મજૂરી કરનારું; ભૂંડું - ખરાબ; લાગ - તક, મોકો; લવારો - બબડાટ; કુણ - કોણ; દિલ - શરીર, તન; નકુર - નક્કર; ટોટો - દારૂખાનું, પિસ્તોલની ગોળી

વિરુદ્ધાર્થી શબ્દો : ધરતી × આકાશ; સવાલ × જવાબ; સુંવાળું × બરછટ, ખરબચડું; દરિદ્ર × અમીર; સહ્ય × અસહ્ય; સદ્ભાગ્ય × દુર્ભાગ્ય

રૂઢિપ્રયોગો : ચાલતા થવું - મૃત્યુ પામવું; પગ જડાઈ જવા - સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું; આંખો ભીની થવી - લાગણીશીલ થઈ જવું; દાઝ ચઢવી - ગુસ્સો આવવો

શબ્દસમૂહ માટે એક શબ્દ : મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક - કાણ; સગાંસંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું - સૂતક; મરણ પાછળ ક્રિયા કરાવવી, શ્રાદ્ધ કરવું - સરાવવું; અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર - કોઠાર; પૃથ્વી અને આકાશ જ્યાં મળતાં દેખાય તે કલ્પિત રેખા - ક્ષિતિજ

✦ સ્વાધ્યાય ✦

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓)ની નિશાની કરો :

(1) કેમ ભાઈ, પટેલ, તું આ પેટિયું નથી લેતો ? આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે ? (A) શેઠ કાળુને કહે છે. (B) સિપાઈ કાળુને કહે છે. (C) રાજુ કાળુને કહે છે. (D) કાળુ રાજુને કહે છે.
જવાબ : (A) શેઠ કાળુને કહે છે. (✓)

(2) કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત.... (A) કીર્તિની ભૂખ છે. (B) માનવીની જરૂરિયાત છે. (C) માનવીની ઈર્ષ્યા છે. (D) સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે.
જવાબ : (D) સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે. (✓)

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :

(1) દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી ?
જવાબ : દુકાળના વખતમાં સુંદરજી શેઠ અને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન આપી લોકોને મદદ કરી.

(2) કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે ?
જવાબ : કાળુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે, જ્યારે રાજુ ચિંતાને ડાકણમાં ડાકણ કહે છે.

(3) સદાવ્રતમાં અનાજ લેવા કોણ-કોણ ઊભા હતા ?
જવાબ : સદાવ્રતમાં અનાજ લેવા પટેલ, બ્રાહ્મણ, વાણિયા, ઠાકરડા, ઘાંચી, સિપાઈ અને મોટા ભાગે ખેડૂતો ઊભા હતા.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

(1) અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે ?
જવાબ : સુંદરજી શેઠે કાળુને પ્રેમથી સમજાવ્યો કે આ ધાન તમારું જ છે અને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ નથી; સંકોચ થતો હોય તો ઓટલો વાળી જજે. શેઠની આ મોટાઈ જોઈ કાળુને પોતાના વિચાર બાલિશ લાગ્યા અને તે અનાજ લેવા તૈયાર થયો.

(2) 'બાવાનાં બેય બગડ્યાં' એમ કાળુ શા માટે કહે છે ?
જવાબ : ભીખ ન લેવાની પોતાની ટેક (સ્વમાન) તો તૂટી ગઈ, અને દોઢપાશેર ખીચડીથી પેટ પણ ભરાવાનું નહોતું એટલે જીવ પણ જવાનો જ છે. આમ, ટેક પણ ગઈ અને જીવ પણ બચવાનો નથી, તેથી કાળુ 'બાવાનાં બેય બગડ્યાં' કહે છે.

(3) સુંદરજી શેઠ વિશે પાંચ વાક્યો લખો.
જવાબ : સુંદરજી શેઠ ડેગડિયાના વતની અને પરદેશથી આવેલા ધનવાન શેઠ હતા. તેમણે દુકાળમાં મહાજનને સમજાવી કોઠારમાંથી ધાન આપવા તૈયાર કર્યું. તેઓ માનતા કે ખેડૂતો જ સૌનું પોષણ કરે છે, તેથી તેમને જીવતા રાખવા જરૂરી છે. કાળુના સ્વમાનને તેમણે સમજ્યું અને પ્રેમથી સાંત્વન આપ્યું. તેઓ ઉદાર, સમજદાર અને નમ્ર સ્વભાવના મોટા ગજાના માણસ હતા.

4. નીચેના પ્રશ્નોના સાત-આઠ વાક્યોમાં ઉત્તર આપો :

(1) આ વાર્તાને આધારે કાળુનું પાત્રાલેખન કરો.
જવાબ : કાળુ 'માનવીની ભવાઈ'નો મુખ્ય પાત્ર અને ખેડૂતપુત્ર છે. છપ્પનિયા દુકાળમાં ભૂખથી હાડપિંજર જેવો થઈ ગયો છે, છતાં તેનું સ્વમાન અડગ છે. ખેડૂત દુનિયાનું પેટ ભરે છે, તેથી તેને જ હાથ ધરવો પડે તે તેને અસહ્ય લાગે છે; 'કણબી છું એટલે નઈં લઉં' એમ તે સિપાઈ સામે પણ નીડરતાથી કહે છે. તે ભાવનાશીલ છે; શેઠ આગળ પોતાના જ ધાનના ઢગલા જોઈ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે. તે સમજદાર છે; શેઠની મોટાઈ સમજતાં પોતાના વિચાર બાલિશ માની તેમને વંદે છે. તે પત્ની રાજુને ખૂબ ચાહે છે અને તેની વાત માની લે છે. પોતાના બાંધવોની હાલત જોઈ તેનું હૃદય બળે છે. આમ, કાળુ સ્વમાની, લાગણીશીલ, નીડર અને પ્રેમાળ ખેડૂત છે.

(2) આ વાર્તાને આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો.
જવાબ : છપ્પનિયા દુકાળમાં બાર-બાર માસ સુધી વરસાદ ન આવ્યો. ધરતી પર જાણે મોતનો વરસાદ વરસતો હતો; વન, ખેતર, બજાર અને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં મડદાં જ મડદાં હતાં. મૃતદેહો બાળવા-દાટવાની પણ વ્યવસ્થા નહોતી, તેથી કાણ, સૂતક કે શ્રાદ્ધની વાત જ ન રહી. સ્વજનના મૃત્યુથી પાછળ રહેલાં લોકો રાહત અનુભવતાં. અનાજ ખૂટી ગયું; લોકો કોદરા જેવું હલકું ધાન પણ માંડ મેળવતા. અષાઢમાં પણ આકાશ ચોખ્ખું રહેતું અને તાપ વૈશાખ-જેઠ કરતાં પણ આકરો હતો. ધનવાન મહાજનો પણ મરવા લાગ્યા. સ્વમાની ખેડૂતોને પણ પેટ માટે સદાવ્રતની કતારમાં હાથ લંબાવવો પડ્યો. આમ, દુકાળ માનવીનું શરીર જ નહીં, તેનું સ્વમાન પણ છીનવી લેતો હતો.

(3) રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો.
જવાબ : રાજુ કાળુની પત્ની છે. દુકાળમાં ઘરનું અનાજ ખૂટી ગયું છે અને પતિ તથા બે નાના ભાઈઓ ભૂખે મરી રહ્યા છે. કાળુ સ્વમાનને કારણે સદાવ્રતમાં જવા તૈયાર નથી, તેથી રાજુ વ્યથિત છે; તે સોગન આપીને તેને સાથે લઈ જાય છે અને 'તમારી વતી હું હાથ ધરીશ' કહે છે. કાળુ વારંવાર મરવાની અને ભીખની વાતો કરે છે ત્યારે રાજુ ચિડાઈ જાય છે, તેને ધમકાવે છે અને કહે છે કે 'આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો.' તે માને છે કે ચિંતા જ ડાકણમાં ડાકણ છે, જે માણસના કાળજાને ખોતરી ખાય છે. પતિના સ્વમાન અને પરિવારના જીવન વચ્ચે ફસાયેલી રાજુની મનોવ્યથા અત્યંત કરુણ છે; છતાં તે હિંમતથી પરિવારને ટકાવી રાખવા મથે છે.

🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments