GSEB Std 10 Social Science Chapter 5 Vigyan ane Technology no Varso Swadhyay Solution: અહીં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 5 "ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો" ના અગત્યના મુદ્દાઓ – ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, વૈદકવિદ્યા, ગણિત, ખગોળ, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર – તથા સ્વાધ્યાયના તમામ જવાબ આપેલ છે.

✦ અગત્યના મુદ્દાઓ (IMP Notes) ✦
વિજ્ઞાન : વ્યવસ્થિત જ્ઞાન. ટેક્નોલૉજી : વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા.
રસાયણ : નાગાર્જુન – ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય; 'રસરત્નાકર', 'આરોગ્યમંજરી'. દિલ્હીનો લોહસ્તંભ (ચંદ્રગુપ્ત બીજો, 7 ટન, 24 ફૂટ) – કાટ લાગ્યો નથી.
વૈદક : ચરક – 'ચરકસંહિતા' (2000થી વધુ વનસ્પતિ), સુશ્રુત – 'સુશ્રુતસંહિતા' (શલ્યચિકિત્સા), વાગ્ભટ્ટ – 'વાગ્ભટ્ટસંહિતા', 'અષ્ટાંગહૃદય'; શાલિહોત્ર – 'અશ્વશાસ્ત્ર'.
ગણિત : શૂન્યની શોધ – આર્યભટ્ટ; ગૃત્સમદ – અંક પાછળ શૂન્ય; ભાસ્કરાચાર્ય – 'લીલાવતી ગણિત', 'બીજગણિત' (ઈ.સ. 1150); આર્યભટ્ટ – 'ગણિતશાસ્ત્રના પિતા', π = 22/7.
ખગોળ-જ્યોતિષ : બ્રહ્મગુપ્ત – 'બ્રહ્મસિદ્ધાંત' (ગુરુત્વાકર્ષણ); વરાહમિહિર – 'બૃહદ્સંહિતા', જ્યોતિષના ત્રણ ભાગ : તંત્ર, હોરા, સંહિતા.
વાસ્તુશાસ્ત્ર : વિશ્વકર્મા – દેવોના પ્રથમ સ્થપતિ (આઠ ભાગ). 22 ડિસેમ્બર – રાષ્ટ્રીય ગણિત દિવસ (શ્રીનિવાસ રામાનુજન).
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.
જવાબ : પ્રાચીન કાળથી ભારતના લોકો ધાતુવિદ્યાનો વ્યાવહારિક જીવનમાં ઉપયોગ કરે છે અને તેમાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેનાં ઉદાહરણો :
(1) સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળેલી ધાતુની નર્તકીની પ્રતિમા. (2) તક્ષશિલામાંથી મળેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ. (3) ચોલ રાજવીના સમયનાં ધાતુશિલ્પો. (4) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ. (5) દેવ-દેવીઓ, પશુ-પક્ષી તથા સોપારી કાપવાની સૂડીઓ.
આ ધાતુશિલ્પો બનાવવાની પરંપરા દસમી અને અગિયારમી સદીથી વિકાસ પામી.
(2) પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
જવાબ : રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે; તે ખનીજો, છોડ, કૃષિનાં બીજ, ધાતુઓના નિર્માણ-પરિવર્તન અને ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે.
(1) નાલંદાના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે; તેમણે 'રસરત્નાકર' અને 'આરોગ્યમંજરી' લખ્યા. તેમણે વનસ્પતિ ઔષધિઓ સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી; પારાની ભસ્મ ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમનાથી શરૂ થયો મનાય છે.
(2) નાલંદામાં રસાયણવિદ્યા માટે અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ હતી. ગ્રંથોમાં મુખ્યરસ, ઉપરસ, દસ પ્રકારનાં વિષ, ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન છે.
(3) સુલતાનગંજ (બિહાર)ની 7½ ફૂટ ઊંચી, 1 ટન વજનની બુદ્ધની તામ્રમૂર્તિ અને નાલંદાની 18 ફૂટ ઊંચી મૂર્તિ રસાયણવિદ્યાની ઉત્કૃષ્ટતા બતાવે છે.
(4) ચંદ્રગુપ્ત બીજા (વિક્રમાદિત્ય)એ દિલ્હીમાં બનાવેલા 7 ટન વજન અને 24 ફૂટ ઊંચા લોહસ્તંભને આજ સુધી કાટ લાગ્યો નથી – જે ભારતની રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો છે.
(3) વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો.
જવાબ : (1) મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાગ્ભટ્ટે વૈદકશાસ્ત્રનાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં. ચરકે 'ચરકસંહિતા'માં 2000થી વધુ વનસ્પતિ-ઔષધિઓનું વર્ણન કર્યું. સુશ્રુતે 'સુશ્રુતસંહિતા'માં માથાના વાળને ઊભા ચીરી શકે તેવાં ધારદાર શલ્ય સાધનોનો ઉલ્લેખ કર્યો. આ ત્રણ ગ્રંથો દરેક વૈદ્ય માટે ઉપયોગી છે.
(2) ઔષધશાસ્ત્રમાં ખનીજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ, દવા બનાવવાની વિધિ, વર્ગીકરણ અને ઉપયોગનાં સૂચનો છે.
(3) વાઢકાપ માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા. પેઢુ, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલાં હાડકાં બેસાડવાં, શરીરમાં ઘૂસેલા પદાર્થો કાઢવા, તૂટેલા કાન-નાકની સારવાર અને 'પ્લાસ્ટિક સર્જરી'માં ભારતીયો નિપુણ હતા.
(4) મૃત શરીર કે મીણના પૂતળાથી પ્રત્યક્ષ જ્ઞાન અપાતું; પ્રસૂતિનાં જોખમી ઑપરેશનો થતાં; સ્ત્રી અને બાળરોગોના નિષ્ણાતો હતા; રોગનું નિદાન કરી પરેજી પણ અપાતી.
(5) પ્રાણીરોગો પર 'હસ્તી આયુર્વેદ' અને શાલિહોત્રનું 'અશ્વશાસ્ત્ર' જેવા ગ્રંથો હતા; વાગ્ભટ્ટે 'અષ્ટાંગહૃદય' લખ્યો.
(4) પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો.
જવાબ : પ્રાચીન ભારતના ઋષિઓએ ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, વૈદકવિદ્યા, શલ્યચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવાં ક્ષેત્રોમાં અમૂલ્ય વારસો આપ્યો છે. ભારત આધ્યાત્મિક વિચારધારા સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ પણ ધરાવે છે; મોટા ભાગની વૈજ્ઞાનિક શોધોમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્ત્વ સમાયેલું છે.
અન્ય વિજ્ઞાન ગ્રંથો : પ્રજનનશાસ્ત્ર (બ્રાભ્રવ્ય પાંચાલ), ચિકિત્સાસંગ્રહ (ચક્રપાણિદત્ત), કામસૂત્ર (વાત્સ્યાયન), વૃક્ષ આયુર્વેદ (પારાશર), યોગશાસ્ત્ર (પતંજલિ), યંત્ર સર્વસ્વ (ભારદ્વાજ), કાલગણના (શકમુનિ).
ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો અને વ્યાવહારિક જ્ઞાનનો સુભગ સમન્વય છે; વિવિધતામાં એકતા તેનું મૂળભૂત લક્ષણ છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો.
જવાબ : (1) ભારતે શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી.
(2) શૂન્યની શોધ આર્યભટ્ટે કરી; આંકડા પાછળ શૂન્ય લગાવવાની પ્રક્રિયાના શોધક ઋષિ ગૃત્સમદ હતા. 1ની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નિર્ધારિત કરાયાં હતાં. મોહેં-જો-દડો-હડપ્પાનાં તોલમાપમાં દશાંશ પદ્ધતિ જોવા મળે છે.
(3) ભાસ્કરાચાર્યે ઈ.સ. 1150માં 'લીલાવતી ગણિત' અને 'બીજગણિત' લખ્યા; સરવાળા-બાદબાકીનું સંશોધન કર્યું. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા. આપસ્તંભે શુલ્વસૂત્રોમાં (ઈ.સ. 800 પૂર્વે) યજ્ઞવેદીઓનાં પ્રમાણ નક્કી કર્યાં.
(4) આર્યભટ્ટે 'આર્યભટ્ટીયમ્'માં π = 22/7 (3.14) બતાવ્યું, ભાગાકાર, ગુણાકાર, વર્ગમૂળ, ઘનમૂળ જેવી અષ્ટાંગ પદ્ધતિ આપી; તેથી તે 'ગણિતશાસ્ત્રના પિતા' કહેવાય છે.
(2) ટૂંકનોંધ લખો : પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર.
જવાબ : (1) શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે; તેના ઘણા ગ્રંથોનો વિદ્યાપીઠોમાં ઊંડો અભ્યાસ થતો.
(2) ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા આકાશી પદાર્થોની ગણતરીથી ખગોળ અને જ્યોતિષનો વિકાસ થયો.
(3) આર્યભટ્ટે સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું કારણ પૃથ્વીનો પડછાયો છે; વિદ્વાનો તેમને 'અજરભર' કહેતા. ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ 'આર્યભટ્ટ' રખાયું.
(4) બ્રહ્મગુપ્તે 'બ્રહ્મસિદ્ધાંત'માં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે.
(3) જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો.
જવાબ : (1) ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું.
(2) વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા; તેમણે જ્યોતિષશાસ્ત્રને 'તંત્ર', 'હોરા' અને 'સંહિતા' – ત્રણ ભાગમાં વહેંચ્યું.
(3) તેમણે 'બૃહદ્સંહિતા' રચી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર અસરો, મનુષ્યોનાં લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્નસમય, તળાવો, કૂવા, બગીચા, ખેતરોમાં વાવણી જેવા પ્રસંગોનાં શુભ મુહૂર્તોની માહિતી છે.
(4) વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે ?
જવાબ : (1) વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે; બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ, વિશ્વકર્મા તેના વિદ્વાનો છે.
(2) તેમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે અને કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે.
(3) જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવમંદિર, બ્રહ્મસ્થાન, ભોજનકક્ષ, શયનખંડ જેવાં સ્થાનોની માહિતી હોય છે.
(4) બૃહદ્સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે; 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ તેનો પુનરુદ્ધાર કરાવ્યો. આજે વિદેશોમાં પણ તેને સ્વીકૃતિ મળી રહી છે.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો :
(1) વિજ્ઞાન અને ટેક્નોલૉજી એટલે શું ?
જવાબ : વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલૉજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા.
(2) રસાયણવિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો.
જવાબ : નાગાર્જુને 'રસરત્નાકર' અને 'આરોગ્યમંજરી' ગ્રંથો લખ્યા, વનસ્પતિ ઔષધિઓ સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી અને પારાની ભસ્મ ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ શરૂ કર્યો.
(3) ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલ શોધો વિશે નોંધ લખો.
જવાબ : આર્યભટ્ટે શૂન્યની શોધ કરી, 'આર્યભટ્ટીયમ્'માં π = 22/7 (3.14) દર્શાવ્યું, ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ જેવી અષ્ટાંગ પદ્ધતિ આપી; 'દશગીતિકા' અને 'આર્યસિદ્ધાંત' પણ લખ્યા.
(4) જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે ?
જવાબ : જ્યોતિષશાસ્ત્ર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે : તંત્ર, હોરા અને સંહિતા.
(5) વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનાં નામ આપો.
જવાબ : બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ અને વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ છે.
4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
(1) કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે ?
જવાબ : (B) નટરાજનું
(2) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
જવાબ : (C) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.
(3) મહર્ષિ ચરક : ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુત : .........
જવાબ : (A) સુશ્રુતસંહિતા
(4) ગણિતશાસ્ત્ર વિશેની ચર્ચામાં કોણ સાચું બોલે છે ?
જવાબ : (D) શ્રેયા, માનસી, હાર્દ
(5) બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ......... છે.
જવાબ : (B) પ્રજનનશાસ્ત્ર
(6) પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલિ બ્રહ્મસિદ્ધાંતની રચના કોણે કરી હતી ?
જવાબ : (A) બ્રહ્મગુપ્તે
(7) મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચનાના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર જણાવો.
જવાબ : (D) વાસ્તુશાસ્ત્ર
✦ પ્રવૃત્તિ ✦
'પ્રાચીન ભારતનું વિજ્ઞાન' વિષય પર સેમિનાર, ચાર્ટ અને 'વિજ્ઞાનમય ભારત' હસ્તલિખિત અંક તૈયાર કરો.
નાગાર્જુન, ચરક, સુશ્રુત, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર, વિશ્વકર્માના ફોટોગ્રાફ્સ સાથે પ્રદર્શન તૈયાર કરો.
Comments
Post a Comment