GSEB Std 9 Gujarati Chapter 10 Bharatiya Sanskrutini Siddhi Swadhyay Solution: અહીં ધોરણ 9 ગુજરાતી (પ્રથમ ભાષા) વિષયના પાઠ 10 "ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ" (વિનોબા ભાવે) નો લેખક પરિચય, નિબંધનો સાર, શબ્દ-સમજૂતી, ભાષા-અભિવ્યક્તિ તથા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સચોટ જવાબો આપેલ છે.

✦ લેખક પરિચય અને પાઠનો સાર ✦
લેખક : વિનોબા ભાવે - વિનાયક નરહરિ ભાવે (જન્મ : 11-9-1895, અવસાન : 15-11-1982); જન્મ રાયગઢ જિલ્લાના ગાગોડે ગામમાં; 'આચાર્ય' તરીકે પ્રસિદ્ધ. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા; મૌલિક ચિંતક અને લેખક. ભગવદ્ગીતાનો મરાઠીમાં અનુવાદ. પુસ્તકો : 'ગીતાપ્રવચનો', 'વિચારપોથી', 'સ્થિતપ્રજ્ઞ દર્શન', 'મધુકર', 'ક્રાંતિ દર્શન', 'સ્વરાજ્ય શાસ્ત્ર', 'ભૂદાન ગંગા' ભાગ 1-10. રેમન મૅગ્સેસે ઍવૉર્ડ અને ભારતરત્નથી સન્માનિત.
સાહિત્યપ્રકાર : નિબંધ ('ભારતીય સંસ્કૃતિ'માંથી)
પાઠનો સાર : પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઊઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, ભૂખ ન હોય છતાં ખાવું તે વિકૃતિ અને ભૂખ લાગે છતાં ભગવત્-સ્મરણ માટે ઉપવાસ કરવો તે સંસ્કૃતિ છે. મહેનત કરીને ખાવું પ્રકૃતિ છે, બીજાની મહેનત લૂંટીને ભોગવવું વિકૃતિ છે અને પોતાના શ્રમની ચીજ પણ વહેંચીને ભોગવવી તે સંસ્કૃતિ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી, વિકૃતિ જ ખરાબ છે; પ્રકૃતિ સારી કે ખરાબ નથી. વિકૃતિ આપણી હોય કે બીજાની - સદંતર વર્જ્ય છે; પ્રકૃતિને હંમેશાં સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વૃત્તિ વધશે તેમ વિકૃતિઓ ક્ષીણ થશે.
ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે; હજારો વર્ષના પ્રયોગોમાંથી, આધ્યાત્મિક દૃષ્ટિથી તે ઘડાઈ છે. ભારત સુજલ-સુફલ છે, પણ તેની સાચી વિશેષતા અદ્વિતીય વિચાર-સંપદા છે. વૈદિક ઋષિઓથી આજ સુધી શબ્દોની અખંડ પરંપરા ચાલી આવે છે. આપણી સંસ્કૃતિ સનાતન છતાં નિત્યનૂતન છે; પ્રાચીન ઋષિ આજે આવે તો કહેશે કે 'આ મારાં જ બાળકો છે'. 'દુર્લભં ભારતે જન્મ' - નરસિંહ મહેતા અને શંકરદેવ જેવા સંતોએ પ્રદેશનો નહિ, ભારતનો મહિમા ગાયો. વિભિન્ન ભાષાઓ અને વિવિધતાવાળા ભૂખંડને એક દેશ માનવો એ જ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ છે, જેને જાળવવાની અને આગળ વધારવાની છે. (મૂળ પાઠ પાઠ્યપુસ્તકમાંથી વાંચવો.)
✦ શબ્દ-સમજૂતી ✦
સમાનાર્થી / શબ્દાર્થ : વર્જ્ય - ત્યજવા યોગ્ય; ક્ષીણ - ઘસાયેલું, નબળું; અકરાંતિયું - ધરાય નહિ તેવું, વધારે પડતું ખાનારું; સાવધ - જાગ્રત, સજાગ; નિષ્કર્ષ - સાર; અદ્વિતીય - અજોડ; અસ્ખલિત - સતત, એકધારું; શાશ્વત - નિત્ય; ચવડ - મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું; સંપદા - સંપત્તિ
વિરુદ્ધાર્થી : પ્રાચીન × અર્વાચીન; સાવધ × ગાફેલ; સ્નિગ્ધ × કઠણ; બાહ્ય × આંતરિક; આધ્યાત્મિક × સાંસારિક; અભિમાન × નિરભિમાન; શાશ્વત × નાશવંત; અકરાંતિયું × મિતાહારી
ભાષા-અભિવ્યક્તિ : 'તેમ છતાં આ કદાપિ સંસ્કૃતિ હોઈ શકે નહિ' - બીજાની મહેનતનો ગેરલાભ ઉઠાવવો તે વિકૃતિ છે એ સનાતન સત્ય વિનોબાજી ધારદાર શબ્દો વગર પણ અડગતાથી રજૂ કરે છે. 'સંસ્કૃતિ', 'વિકૃતિ' અને 'પ્રકૃતિ' જેવા પ્રાસસભર શબ્દોની પસંદગી લેખનને અસરકારક બનાવે છે. 'પ્રકૃતિને હરહંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું' - પાયાની વાત લાઘવથી કહી છે. લેખકે તત્સમ શબ્દો પણ સક્ષમતાથી વાપર્યા છે.
✦ સ્વાધ્યાય ✦
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
(1) નીચેનામાંથી કયું વાક્ય બંધબેસતું નથી ? (A) વિકૃતિ એટલે સહજ સ્વભાવ (B) પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ (C) સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઊઠવું (D) વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું
જવાબ : (A) વિકૃતિ એટલે સહજ સ્વભાવ (✓)
(2) વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે ? (A) માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે (B) માણસમાં પશુવૃત્તિ આવતી જશે ત્યારે (C) દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી (D) માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે
જવાબ : (D) માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે (✓)
(3) (પાઠના આધારે) ભારત પાસે અદ્વિતીય એવું શું છે ? (A) માનવસંપદા (B) વિચારસંપદા (C) પ્રાણીસંપદા (D) વૈભવી રહેણીકરણી
જવાબ : (B) વિચારસંપદા (✓)
2. નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે ?
જવાબ : પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ આપણામાં રહેલો અખંડ તંતુ - શાશ્વત, સ્નિગ્ધ, ચવડ અને જીવતરવાળી સંસ્કૃતિ - જોઈ તેઓ કહી ઊઠશે કે 'આ મારાં જ બાળકો છે.'
3. નીચેનો પરિચ્છેદ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો :
પરિચ્છેદ : ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે.
(1) બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય ?
જવાબ : બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને વિકૃતિ કહેવાય.
(2) ઉપવાસને લેખક શું કહે છે ?
જવાબ : ઉપવાસ કરવાને લેખક સંસ્કૃતિ કહે છે.
(3) 'પ્રકૃતિ'ને સમજાવવા લેખકે શું કહ્યું છે ?
જવાબ : 'પ્રકૃતિ' સમજાવવા લેખકે કહ્યું છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે.
(4) આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો.
જવાબ : પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ
4. નીચેના પ્રશ્નનો સાત-આઠ વાક્યમાં ઉત્તર લખો :
(1) આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો.
જવાબ : (1) ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે; હજારો વર્ષથી અહીં માણસ જાતજાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી તે નીપજી છે. (2) તેમાં આધ્યાત્મિક દૃષ્ટિ મુખ્ય છે; માણસ આધ્યાત્મિક રીતે કેમ આગળ વધે તેની ખોજ નિરંતર ચાલી છે. (3) ભારતની વિચાર-સંપદા અદ્વિતીય છે - આ જ તેની સાચી વિશેષતા છે. (4) વૈદિક ઋષિઓથી આજ સુધી શબ્દોની અખંડ પરંપરા ચાલી આવે છે; જૂના શબ્દોને તોડ્યા વિના નવા અર્થ ઉમેરી તેનો વિકાસ થયો છે. (5) આપણી સંસ્કૃતિ સનાતન છતાં નિત્યનૂતન છે; તેમાં કંઈક શાશ્વત, સ્નિગ્ધ અને ચવડ તત્ત્વ છે જે બદલાતું નથી. (6) અનેક પરિવર્તનો છતાં પરંપરા અતૂટ રહી છે અને સ્થળ-કાળના ભેદો છતાં એકતાનું દર્શન થાય છે. (7) 'દુર્લભં ભારતે જન્મ' - સંતોએ પોતાના પ્રદેશનો નહિ, પણ સમગ્ર ભારતનો મહિમા ગાયો છે. (8) વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા ભૂખંડને એક દેશ માનવો - વિવિધતામાં એકતા - એ ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી સિદ્ધિ છે.
Comments
Post a Comment