GSEB Std 9 Gujarati Chapter 24 Prerak Prasango Solution: અહીં ધોરણ 9 ગુજરાતી (પ્રથમ ભાષા) વિષયના પાઠ 24 "પ્રેરક પ્રસંગો" (સંકલિત) ના ચારેય પ્રેરક પ્રસંગોનો સાર, તેમાંથી મળતો બોધ, શબ્દ-સમજૂતી અને ભાષા-અભિવ્યક્તિ આપેલ છે.

✦ ચાર પ્રેરક પ્રસંગો - સાર અને બોધ ✦
સાહિત્યપ્રકાર : પ્રેરક પ્રસંગો (સંકલિત)
પ્રસંગ 1 - શ્રદ્ધા : એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ વરસાદ ન પડ્યો. ધર્મગુરુની સલાહથી આખું ગામ મેદાનમાં પ્રાર્થના કરવા ભેગું થયું. એક નાની બાળકી છત્રી લઈને આવી; લોકોએ તેની મશ્કરી કરી. ધર્મગુરુએ કારણ પૂછ્યું ત્યારે બાળાએ સરળતાથી કહ્યું કે તમે જ શીખવો છો કે શ્રદ્ધાથી પ્રાર્થના કરશો તો વરસાદ આવશે; આપણે શ્રદ્ધાથી પ્રાર્થના કરવા આવ્યા છીએ, તો વરસાદ આવશે જ - ભીંજાઈ ન જવાય માટે છત્રી લાવી છું. બોધ : કોઈ પણ કાર્યમાં શ્રદ્ધા અતિ મહત્ત્વની છે; પ્રાર્થના સૌ કરે, પણ પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર ઓછા હોય છે.
પ્રસંગ 2 - નાનકસાહેબ : નાનકસાહેબ પછી ગુરુસ્થાને કોને મૂકવા તે વિચાર ચાલતો હતો. તેમણે દીકરાને ગંદી કોઢ (ગમાણ) સાફ કરવા કહ્યું, પણ ગુરુનો દીકરો હોવાના અભિમાનમાં તે ન ગયો. શિષ્ય અંગદે માથે સૂંડલા ઉપાડી કોઢ સાફ કરી નાખી. નાનકસાહેબે પોતાના ઉપરણાથી તેના મોં પરના છાણના રેગાડા લૂછ્યા, પોતાની પાઘડી પહેરાવી કહ્યું - 'તું મારો વારસ.' દીકરાએ વાંધો લીધો ત્યારે કહ્યું કે આટલી કોઢનો મેલ તારાથી ન ઉઠાવાયો, તો મારા આટલા શિષ્યોનો મેલ તું કેમ ઉઠાવી શકીશ ? બોધ : માણસ જન્મથી નહિ, કર્મથી મહાન અને આદરપાત્ર બને છે.
પ્રસંગ 3 - રઘુનાથ પુરુષોત્તમ પરાંજપે : પરાંજપેજી કેમ્બ્રિજ વિદ્યાપીઠમાં ગણિતમાં પ્રથમ આવ્યા અને ભારે પગારની માગો આવી, છતાં આકર્ષાયા વિના ભારતસેવક ગોખલેજીના અનુયાયી બન્યા અને 75 રૂપિયાના સામાન્ય વેતનથી ફર્ગ્યુસન કૉલેજના આચાર્ય બન્યા. તેમણે કહ્યું - 'દેશસેવા એ પ્રથમ ધર્મ છે; જેની પાસે ધન હોય તે ધન આપે, મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ.' બોધ : દેશસેવા જ મુખ્ય ધર્મ છે.
પ્રસંગ 4 - સ્ત્રીદાક્ષિણ્ય : ન્યૂયૉર્કની ભોંયગાડીમાં લેખકે કૂતરા સાથે એક આંધળા જુવાનને જોયો. બેસવાની જગ્યા ખાલી પડી ત્યારે લેખકે તેને ત્યાં દોરી જવાની વાત કરી; જુવાને આભાર માની મૃદુ અવાજે પૂછ્યું - 'આજુબાજુમાં કોઈ બહેનો ઊભેલી તો નથી ને ?' બોધ : પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પણ પોતે બેસવાને બદલે ઊભેલી બહેનોનો વિચાર કરે છે - સ્ત્રીઓ પ્રત્યે માન-સન્માન (સ્ત્રીદાક્ષિણ્ય)ની ઉજ્જ્વળ ભાવના.
(મૂળ પ્રસંગો પાઠ્યપુસ્તકમાંથી વાંચવા.)
✦ શબ્દ-સમજૂતી અને ભાષા-અભિવ્યક્તિ ✦
સમાનાર્થી / શબ્દાર્થ : લાગલગાટ - સતત; કોઢ - ગમાણ, ઢોરને બાંધવાની જગ્યા; પ્રતિભા - વ્યક્તિત્વ; સૂંડલો - ટોપલો; ઉપરણું - ખેસ, ખભે નાખવાનું વસ્ત્ર; વાસીદું - ઢોરનું છાણ, મૂતર વગેરે, પૂંજો; પ્રબળ - બળવાન
વિરુદ્ધાર્થી : સરળ × કઠિન; શ્રદ્ધા × અશ્રદ્ધા
ભાષા-અભિવ્યક્તિ : 'એક ગામમાં..... ભેગું થયું' - પ્રસંગની શરૂઆતમાં (1) લગભગ દરેક વાક્યમાં નવી ઘટના સમાવી લેવાઈ છે, તેથી કથનમાં વેગ છે; (2) જે કહેવું છે તે કશી આળપંપાળ વિના કહેવાયું છે; (3) ક્યાંય સુસ્ત કે બિનજરૂરી લંબાણવાળી ભાષા નથી. 'ભારતસેવક ગોખલેજીના ચરણે બેસી ગયા' - ગુજરાતીમાં ચરણ ચાંપવા, ચરણ પખાળવા, ચરણે પડવું જેવા રૂઢિપ્રયોગો છે; અહીં 'ચરણે બેસી ગયા'નો અર્થ અનુયાયી બની જવું થાય છે.
✦ પ્રસંગો પરથી શીખ (ટૂંકમાં) ✦
(1) પ્રથમ પ્રસંગમાંથી શું શીખવા મળે છે ?
જવાબ : નાની બાળકીની જેમ ઈશ્વર અને પ્રાર્થનામાં અતૂટ, પ્રબળ શ્રદ્ધા રાખવી જોઈએ; શ્રદ્ધા પોતે જ મોટું બળ છે.
(2) નાનકસાહેબે અંગદને વારસ કેમ બનાવ્યો ?
જવાબ : અંગદે ગુરુની આજ્ઞાને ઈશ્વરનો બોલ માની કોઈ સંકોચ વિના કોઢ સાફ કરી, જ્યારે દીકરાએ અભિમાનથી ના પાડી. ગુરુએ જન્મને બદલે યોગ્યતા, નમ્રતા અને કર્મને આધારે પદ આપ્યું; તેથી અંગદ વારસ બન્યો.
(3) પરાંજપેજીના મતે દેશસેવા કેવી રીતે કરી શકાય ?
જવાબ : જેની પાસે જે હોય તે દેશને આપવું - ધનવાન ધન આપે અને વિદ્વાન વિદ્યા આપે; તેથી તેમણે ઊંચા પગાર છોડી ઓછા વેતને આચાર્ય બની વિદ્યાદાન કર્યું.
(4) આંધળા જુવાનના પ્રશ્નમાં કયો ગુણ દેખાય છે ?
જવાબ : પોતે અંધ હોવા છતાં બેસતાં પહેલાં તેણે આજુબાજુ કોઈ બહેનો ઊભી નથી ને તે પૂછ્યું; તેમાં તેની નમ્રતા, માણસાઈ અને સ્ત્રીદાક્ષિણ્યનો ગુણ દેખાય છે.
Comments
Post a Comment