ધોરણ-9 [ગુજરાતી] 3. પછે શામળિયોજી બોલિયા | std-9 [gujarati] 3. pachhe shamaliyoji boliya

GSEB Std 9 Gujarati Chapter 3 Pachhe Shamaliyoji Boliya Swadhyay Solution: અહીં ધોરણ 9 ગુજરાતી (પ્રથમ ભાષા) વિષયના પાઠ 3 "પછે શામળિયોજી બોલિયા" (પ્રેમાનંદ) નો કવિ પરિચય, આખ્યાનખંડ, ભાવાર્થ, શબ્દ-સમજૂતી, ભાષા-અભિવ્યક્તિ તથા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સચોટ જવાબો આપેલ છે.

std-9-gujarati-3-pachhe-shamaliyoji-boliya-eclassguru

✦ કવિ પરિચય અને કાવ્યનો સાર ✦

કવિ : પ્રેમાનંદ (સમય : ઈ.સ.ની સત્તરમી સદી); વડોદરાના વતની; 'કવિ-શિરોમણિ'. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ - આંગળીઓની વીંટીથી તાંબાની માણ રણકાવી, સુરીલા કંઠે અને અભિનયથી લોકોને રસતરબોળ કરતા. 'ઓખાહરણ', 'ચંદ્રહાસ આખ્યાન', 'અભિમન્યુ આખ્યાન', 'સુદામાચરિત્ર', 'કુંવરબાઈનું મામેરું', 'નળાખ્યાન', 'રણયજ્ઞ', 'દશમસ્કંધ' તેમનાં જાણીતાં આખ્યાનો છે.

કાવ્યપ્રકાર : આખ્યાનખંડ (કડવું) - 'સુદામા ચરિત'માંથી; રાગ રામગરી

કાવ્યનો સાર : સાંદીપનિ ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે; ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા છે અને સુદામા ગરીબ બ્રાહ્મણ. છતાં કૃષ્ણ 'તને સાંભરે રે ?' પૂછે છે અને સુદામા 'મને કેમ વીસરે રે ?' કહી બાળપણનાં સંભારણાં વાગોળે છે - સાથે ભિક્ષા માગવી, ત્રણે ભાઈનું સાથે જમવું, એક સાથરે સૂવું, પાછલી રાતે વેદની ધૂન કરવી. ગુરુ ગામ ગયા ત્યારે ગુરુપત્નીએ લાકડાં લાવવા મોકલ્યા; કૃષ્ણ-બલરામ વચ્ચે લાકડાં કાપવાની હરીફાઈ થઈ, ત્રણ ભારા બાંધ્યા ત્યાં મુશળધાર વરસાદ અને નદીમાં પૂર આવ્યાં; ઠંડીથી શરીર ધ્રૂજ્યાં. ગુરુજી તેમને શોધવા નીકળ્યા, પત્નીને ઠપકો આપ્યો અને શિષ્યોને હૃદયસરસા ચાંપી ઘેર લાવ્યા. અંતે કૃષ્ણ નમ્રતાથી કહે છે કે અમે તમારી પાસેથી વિદ્યા શીખતા, અને સુદામા કહે છે કે તમે મને મોટો કર્યો. વલણમાં શ્રીહરિ દાસની લાજ વધારી તેનું દારિદ્ર્ય ટાળવા સોમદૃષ્ટિ કરે છે.

✦ કાવ્ય : પછે શામળિયોજી બોલિયા ✦

(રાગ રામગરી)

પછે શામળિયોજી બોલિયા, તને સાંભરે રે ?
હાજી, નાનપણાનો નેહ, મને કેમ વીસરે રે ?
આપણ બે મહિના પાસે રહ્યા, તને સાંભરે રે ?
હાજી, સાંદીપનિ ઋષિને ઘેર, મને કેમ વીસરે રે ?
આપણ અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભરે રે ?
મળી જમતા ત્રણે ભ્રાત, મને કેમ વીસરે રે ?
આપણ સૂતા એક સાથરે, તને સાંભરે રે ?
સુખદુઃખની કરતા વાત, મને કેમ વીસરે રે ?

પાછલી રાતના જાગતા, તને સાંભરે રે ?
હાજી, કરતા વેદની ધૂન, મને કેમ વીસરે રે ?
ગુરુ આપણા જ્યારે ગામ ગયા, તને સાંભરે રે ?
કોઈ એકને જાચવા મુન, મને કેમ વીસરે રે ?
ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તને સાંભરે રે ?
લઈ આવો કહ્યું, કાષ્ઠ, મને કેમ વીસરે રે ?
ખાંધે કુહાડા ધર્યા, તને સાંભરે રે ?
ઘણું દૂર ગયા, રણછોડ, મને કેમ વીસરે રે ?

વાદ વધ્યો બેઉ બાંધવે, તને સાંભરે રે ?
હાજી, ફાડ્યું મોટું ખોડ, મને કેમ વીસરે રે ?
ત્રણ ભારા બાંધ્યા દોરડે, તને સાંભરે રે ?
હાજી, આવ્યા બારે મેહ, મને કેમ વીસરે રે ?
શીતળ શરીર થાયે ઘણું, તને સાંભરે રે ?
ટાઢે ધ્રૂજે આપણી દેહ, મને કેમ વીસરે રે ?
નદીએ પૂર આવ્યાં ઘણાં, તને સાંભરે રે ?
ઘન વરસ્યો મુસળધાર, મને કેમ વીસરે રે ?

પછી ગુરુજી શોધવા નીસર્યા, તને સાંભરે રે ?
કહ્યું સ્ત્રીને, તેં કીધો કેર, મને કેમ વીસરે રે ?
આપણ હૃદિયા સાથે ચાંપિયા, તને સાંભરે રે ?
ગુરુ તેડી લાવ્યા ઘેર, મને કેમ વીસરે રે ?
આપણ તે દહાડાના જૂજવા, તને સાંભરે રે ?
ફરીને મળિયા આજ, મને કેમ વીસરે રે ?
તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભરે રે ?
હું ને મોટો કીધો, મહારાજ મને કેમ વીસરે રે ?

(વલણ)
મહારાજ, લાજ નિજ દાસની, વધારો છો શ્રી હરિઃ
પછી દારિદ્ર ખોવા દાસનું, સોમદૃષ્ટિ શ્યામે કરી.
('સુદામા ચરિત'માંથી)

✦ શબ્દ-સમજૂતી ✦

સમાનાર્થી / શબ્દાર્થ : સાંભરે - સ્મરણ કરે, યાદ કરે; ભ્રાત - ભાઈ (અહીં ત્રણે ભ્રાત - બલરામ, કૃષ્ણ અને સુદામો); સાથરે (સાથરો) - ઘાસની પથારી; વેદની ધૂન - વેદનું લયાનુકારી ગાન; જાચવું - યાચના કરવી, માગવું; ગોરાણી - ગોર મહારાજનાં પત્ની, અહીં ગુરુપત્ની; કાષ્ઠ - લાકડાં, બળતણ; ખાંધ - ખભો; વાદ - ચર્ચા, અહીં અંદરોઅંદર હરીફાઈ; ખોડ - મોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું; મુસળધાર - સાંબેલા જેવી ધાર, ધોધમાર વરસાદ; કેર - જુલમ; જૂજવા - જુદા, અલગ; સોમદૃષ્ટિ - ચંદ્ર જેવી શીતળ કૃપાદૃષ્ટિ

વિરુદ્ધાર્થી : સાંભરવું × વિસરવું; શીતળ × ઉષ્ણ

તળપદો શબ્દ : મુન - મુનિ, ઋષિ

રૂઢિપ્રયોગો : હૃદય સાથે ચાંપવું - પ્રેમથી ભેટવું, આલિંગન આપવું; તેડી લાવવું - બોલાવી લાવવું

ભાષા-અભિવ્યક્તિ : દરેક પંક્તિના અંતે 'રે' ઉમેરતાં લયની સુંદરતા વધે છે. 'તને સાંભરે રે ?' - 'મને કેમ વીસરે રે ?'ની પ્રશ્નોત્તર (સંવાદ) શૈલીથી કૃષ્ણ-સુદામાની આત્મીયતા, સ્નેહ અને આનંદ ઊપસી આવે છે.

✦ સ્વાધ્યાય ✦

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

(1) ગોરાણીએ શ્રીકૃષ્ણ-સુદામાને કયું કામ સોંપ્યું હતું ? (A) ગાય દોહવાનું (B) લાકડાં (બળતણ) લાવવાનું (C) કુહાડો લાવી આપવાનું (D) ભિક્ષા માગી લાવવાનું
જવાબ : (B) લાકડાં (બળતણ) લાવવાનું (✓)

(2) 'પછે શામળિયોજી બોલિયા' આખું કાવ્ય કોના સંવાદરૂપે આગળ વધે છે ? (A) સાંદીપનિ ઋષિ અને તેમનાં પત્ની વચ્ચે (B) શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે (C) શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે (D) સુદામા અને સાંદીપનિ ઋષિ વચ્ચે
જવાબ : (B) શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે (✓)

(3) શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે ? (A) પછી ગુરુજી શોધવા નીસર્યા (B) ટાઢે ધ્રૂજે આપણી દેહ (C) મળી જમતા ત્રણે ભ્રાત (D) તમો પાસ અમો વિદ્યા શીખતા
જવાબ : (D) તમો પાસ અમો વિદ્યા શીખતા (✓)

(4) સાંદીપનિ ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે ? (A) પછી ગુરુજી શોધવા નીસર્યા (B) કહ્યું સ્ત્રીને, તેં કીધો કેર (C) આપણ હૃદિયા સાથે ચાંપિયા (D) (A), (B), (C) ત્રણેય વાક્યોમાં
જવાબ : (D) (A), (B), (C) ત્રણેય વાક્યોમાં (✓)

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) સાંદીપનિ ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો.
જવાબ : ગુરુપત્નીએ શિષ્યોને લાકડાં લાવવા જંગલમાં મોકલ્યા ત્યારે મુશળધાર વરસાદ પડ્યો અને નદીઓમાં પૂર આવ્યાં. શિષ્યો પાછા ન આવતાં સાંદીપનિ ઋષિને તેમની ખૂબ ચિંતા થઈ; તેઓ પત્નીને 'તેં કેર કર્યો' કહી ઠપકો આપી પોતે શિષ્યોને શોધવા નીકળ્યા અને તેમને હૃદયસરસા ચાંપી ઘેર લાવ્યા.

(2) શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી ?
જવાબ : ગુરુપત્નીના કહેવાથી ખભે કુહાડા લઈ લાકડાં લેવા ઘણે દૂર ગયા ત્યારે બંને ભાઈઓ - શ્રીકૃષ્ણ અને બલરામજી - વચ્ચે કોણ વધુ અને મોટાં લાકડાં કાપે તેની હરીફાઈ (વાદ) થઈ; તેમાં તેમણે મોટું ખોડ (ઝાડનું થડિયું) ફાડ્યું હતું.

3. નીચેના પ્રશ્નનો સાત-આઠ વાક્યોમાં ઉત્તર લખો :

(1) શ્રીકૃષ્ણ-સુદામાનું વિદ્યાર્થીજીવન તમારા શબ્દોમાં વર્ણવો.
જવાબ : શ્રીકૃષ્ણ, બલરામ અને સુદામા સાંદીપનિ ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. ગુરુકુળ પરંપરા મુજબ તેઓ અન્નની ભિક્ષા માગી લાવતા અને ત્રણે ભાઈની જેમ સાથે બેસીને જમતા. તેઓ ઘાસની એક જ પથારી પર સાથે સૂતા અને સુખદુઃખની વાતો કરતા. પાછલી રાતે વહેલા જાગી વેદની ધૂન કરતા. ગુરુ ગામ ગયા ત્યારે ગુરુપત્નીના કહેવાથી ખભે કુહાડા લઈ જંગલમાં લાકડાં લેવા ગયા; ત્યાં લાકડાં કાપવાની હરીફાઈ થઈ અને ત્રણ ભારા બાંધ્યા. મુશળધાર વરસાદ અને પૂરને કારણે તેઓ ઠંડીથી ધ્રૂજતા રહ્યા, પણ ગુરુએ સોંપેલું કામ પૂરું કર્યું. ગુરુ તેમને શોધી હૃદયસરસા ચાંપી ઘેર લાવ્યા. આમ, તેમનું વિદ્યાર્થીજીવન સાદગી, શ્રમ, નિષ્ઠા, ગુરુઆજ્ઞાપાલન અને ઊંચ-નીચના ભેદ વિનાની નિઃસ્વાર્થ મૈત્રીથી ભરેલું હતું.

4. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :

"તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભરે રે ? હું ને મોટો કીધો મહારાજ, મને કેમ વીસરે રે ?"
જવાબ : આ પંક્તિઓમાં શ્રીકૃષ્ણ અને સુદામા બંનેની નમ્રતા પ્રગટ થાય છે. દ્વારિકાના રાજા હોવા છતાં શ્રીકૃષ્ણ કહે છે કે અમે તમારી પાસેથી વિદ્યા શીખતા હતા - આમ તેઓ સુદામાને મોટું માન આપે છે. સુદામા તરત કહે છે કે મહારાજ, તમે તો મને મોટો બનાવી દીધો - એ વાત હું કેમ ભૂલું ? અહીં રાજા-રંકના ભેદ વિનાની સાચી મૈત્રી, પરસ્પરનો આદર અને કૃષ્ણની વિનમ્રતા સુંદર રીતે વ્યક્ત થયાં છે.

🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments