ધોરણ-9 [વિજ્ઞાન] 6. પેશીઓ | std-9 [science] 6. peshio

GSEB Std 9 Science Chapter 6 Peshio Swadhyay Solution: અહીં ધોરણ 9 વિજ્ઞાન વિષયના પ્રકરણ 6 "પેશીઓ (Tissues)" ના અગત્યના મુદ્દાઓ, પાઠમાં આવતા પ્રશ્નો (પાના 61, 65, 69) અને સ્વાધ્યાયના 15 પ્રશ્નોના જવાબ આપેલ છે.

std-9-science-6-peshio-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • પેશી : રચના અને કાર્યમાં સમાન હોય અને એક જ કાર્ય કરતા કોષોનો સમૂહ.
  • વનસ્પતિ પેશી : વર્ધનશીલ પેશી (અગ્રસ્થ, આંતરવિષ્ટ, પાર્શ્વીય) અને સ્થાયી પેશી.
  • સરળ સ્થાયી પેશી : મૃદુતક, સ્થૂલકોણક, દૃઢોત્તક; રક્ષણાત્મક પેશીમાં અધિસ્તર અને છાલ. જટિલ સ્થાયી પેશી : જલવાહક અને અન્નવાહક.
  • પ્રાણી પેશી : અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી.
  • સંયોજક પેશી : રુધિર, અસ્થિ, કાસ્થિ, સ્નાયુબંધ (ટેન્ડન), અસ્થિબંધ (લિગામેન્ટ), તંતુઘટક (એરિયોલર) અને મેદપૂર્ણ પેશી.
  • સ્નાયુ પેશી : રેખિત (ઐચ્છિક), અરેખિત (અનૈચ્છિક) અને હૃદ સ્નાયુ. ચેતાકોષ : કોષકાય, શિખાતંતુ અને ચેતાક્ષ.

✦ પાઠમાં આવતા પ્રશ્નો ✦

પ્રશ્નો (પાના નં. 61)

1. પેશી એટલે શું ?


જવાબ : રચના અને ઉત્પત્તિમાં સમાન હોય તથા એક નિશ્ચિત કાર્ય કરવા સાથે મળીને કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. ઉદા. રુધિર, સ્નાયુ પેશી, જલવાહક.

2. બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે ?


જવાબ : બહુકોષીય સજીવોમાં પેશીઓને કારણે શ્રમ-વિભાજન શક્ય બને છે. દરેક પેશી ચોક્કસ કાર્ય માટે વિશિષ્ટ બનેલી હોવાથી પાચન, શ્વસન, વહન, હલનચલન જેવાં કાર્યો વધુ કાર્યક્ષમ રીતે થાય છે. પેશીઓ ભેગી મળી અંગો અને અંગતંત્રો બનાવે છે.

પ્રશ્નો (પાના નં. 65)

1. સરળ પેશીઓના પ્રકારોના નામ આપો.


જવાબ : (1) મૃદુતક પેશી (2) સ્થૂલકોણક પેશી (3) દૃઢોત્તક પેશી. (ઉપરાંત અધિસ્તર અને છાલ જેવી રક્ષણાત્મક પેશીઓ પણ સરળ પેશી છે.)

2. અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં જોવા મળે છે ?


જવાબ : અગ્રસ્થ વર્ધનશીલ પેશી પ્રકાંડ અને મૂળની અગ્ર ટોચ પર જોવા મળે છે. તે પ્રકાંડ અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ કરે છે.

3. નાળિયેરના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે ?


જવાબ : નાળિયેરના રેસાઓ દૃઢોત્તક પેશી ના બનેલા હોય છે.

4. અન્નવાહકના ઘટકો કયા કયા છે ?


જવાબ : અન્નવાહકના ઘટકો : (1) ચાલની નલિકા (2) સાથી કોષો (3) અન્નવાહક મૃદુતક (4) અન્નવાહક તંતુઓ.

પ્રશ્નો (પાના નં. 69)

1. એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરના હલનચલન માટે જવાબદાર છે.


જવાબ : સ્નાયુ પેશી આપણા શરીરના હલનચલન માટે જવાબદાર છે.

2. ચેતાકોષ દેખાવમાં કેવો લાગે છે ?


જવાબ : ચેતાકોષમાં કોષકેન્દ્ર અને કોષરસ ધરાવતો કોષકાય હોય છે. તેમાંથી ટૂંકી શાખિત રચનાઓ – શિખાતંતુઓ – અને એક લાંબો પાતળો તંતુ – ચેતાક્ષ – નીકળે છે. ચેતાક્ષના છેડે ચેતાઅંતો હોય છે. એક ચેતાકોષ એક મીટર જેટલો લાંબો પણ હોઈ શકે છે.

3. હૃદસ્નાયુનાં ત્રણ લક્ષણો આપો.


જવાબ : (1) હૃદસ્નાયુના કોષો નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રી હોય છે.
(2) તે અનૈચ્છિક છે; જીવનભર લયબદ્ધ રીતે સંકોચન-શિથિલન કરે છે.
(3) તે માત્ર હૃદયમાં જ જોવા મળે છે.

4. તંતુઘટક પેશીનાં કાર્યો કયાં છે ?


જવાબ : (1) તંતુઘટક (એરિયોલર) પેશી ત્વચા અને સ્નાયુ વચ્ચે, રુધિરવાહિનીઓ અને ચેતાઓની આસપાસ તથા અસ્થિમજ્જામાં જોવા મળે છે.
(2) તે અંગોની અંદરની ખાલી જગ્યા પૂરે છે, આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદ કરે છે.

✦ સ્વાધ્યાય ✦

1. પેશીની વ્યાખ્યા આપો.


જવાબ : રચના અને ઉત્પત્તિમાં સમાન હોય તથા એક ચોક્કસ કાર્ય કરવા સાથે મળીને કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે.

2. કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે ? તેમનાં નામ આપો.


જવાબ : જલવાહક પેશી ચાર પ્રકારના એકમોની બનેલી છે : (1) જલવાહિનીકી (ટ્રેકિડ્સ) (2) જલવાહિની (3) જલવાહક મૃદુતક (4) જલવાહક તંતુઓ.

3. વનસ્પતિઓમાં સરળ પેશી અને જટિલ પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે ?

સરળ પેશી જટિલ પેશી
તે એક જ પ્રકારના કોષોની બનેલી છે. તે એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી છે.
બધા કોષો એકસરખું કાર્ય કરે છે. બધા કોષો સાથે મળીને એક સામાન્ય કાર્ય કરે છે.
ઉદા. મૃદુતક, સ્થૂલકોણક, દૃઢોત્તક ઉદા. જલવાહક, અન્નવાહક

4. કોષદીવાલને આધારે મૃદુત્તક પેશી, સ્થૂલકોણક પેશી અને દૃઢોત્તક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

મૃદુતક પેશી સ્થૂલકોણક પેશી દૃઢોત્તક પેશી
કોષદીવાલ પાતળી હોય છે. કોષદીવાલ ખૂણાઓ પર અનિયમિત રીતે જાડી હોય છે. કોષદીવાલ લિગ્નિનના જમાવથી ખૂબ જાડી હોય છે.
કોષો જીવંત અને શિથિલ રીતે ગોઠવાયેલા; આંતરકોષીય અવકાશ વધુ. કોષો જીવંત અને લાંબા; આંતરકોષીય અવકાશ ખૂબ ઓછો. કોષો મૃત, લાંબા અને સાંકડા; આંતરકોષીય અવકાશ નથી.

5. રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે ?


જવાબ : (1) વાતાવરણ સાથે વાયુઓ (O2 અને CO2) ની આપ-લે માટે રંધ્રો જરૂરી છે.
(2) બાષ્પોત્સર્જન (પાણીનું બાષ્પ સ્વરૂપે ઉડી જવું) ની ક્રિયા પણ રંધ્રો દ્વારા થાય છે.

6. ત્રણેય પ્રકારના સ્નાયુતંતુઓની આકૃતિ દ્વારા તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

રેખિત સ્નાયુ અરેખિત સ્નાયુ હૃદ સ્નાયુ
કોષો લાંબા, નળાકાર, શાખારહિત અને બહુકોષકેન્દ્રી. કોષો લાંબા, ત્રાકાકાર અને એકકોષકેન્દ્રી. કોષો નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રી.
આછા અને ઘેરા પટ્ટા (રેખાઓ) જોવા મળે છે. પટ્ટા જોવા મળતા નથી. આછા પટ્ટા જોવા મળે છે.
ઐચ્છિક સ્નાયુ; હાડકાં સાથે જોડાયેલા. અનૈચ્છિક સ્નાયુ; આહારનળી, ગર્ભાશય, રુધિરવાહિનીઓમાં. અનૈચ્છિક સ્નાયુ; માત્ર હૃદયમાં.


જવાબ : ત્રણેય સ્નાયુતંતુઓની આકૃતિ (પાઠ્યપુસ્તકની આકૃતિ 6.11 મુજબ) તમારી નોટબુકમાં દોરો.

7. હૃદ સ્નાયુપેશીનું વિશેષ કાર્ય શું છે ?


જવાબ : હૃદ સ્નાયુ જીવનભર થાક્યા વગર લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરે છે, જેથી હૃદય રુધિરને સમગ્ર શરીરમાં પંપ કરી શકે છે.

8. શરીરમાં રચના અને સ્થાનના આધારે રેખિત, અરેખિત અને હૃદ સ્નાયુપેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

મુદ્દો રેખિત સ્નાયુ અરેખિત સ્નાયુ હૃદ સ્નાયુ
રચના લાંબા, નળાકાર, શાખારહિત, બહુકોષકેન્દ્રી; પટ્ટાવાળા ત્રાકાકાર, એકકોષકેન્દ્રી; પટ્ટા વગરના નળાકાર, શાખિત, એકકોષકેન્દ્રી
સ્થાન હાથ-પગ જેવા અંગોમાં, અસ્થિ સાથે જોડાયેલા આહારનળી, રુધિરવાહિનીઓ, ગર્ભાશય, મૂત્રવાહિની, આંખની કનીનિકા માત્ર હૃદયમાં
નિયંત્રણ ઐચ્છિક અનૈચ્છિક અનૈચ્છિક

9. ચેતાકોષની નામનિર્દેશિત આકૃતિ દોરો.

આકૃતિમાં દર્શાવવાના ભાગો : કોષકાય, કોષકેન્દ્ર, શિખાતંતુઓ (ડેન્ડ્રાઇટ્સ), ચેતાક્ષ (ઍક્સોન) અને ચેતાઅંત.
જવાબ : પાઠ્યપુસ્તકની આકૃતિ 6.12 મુજબ ચેતાકોષની નામનિર્દેશિત આકૃતિ તમારી નોટબુકમાં દોરો.

10. નીચે આપેલાનાં નામ લખો :

ક્રમ વિગત પેશીનું નામ
(a) પેશી કે જે મોંની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે. લાદીસમ અધિચ્છદ (શલ્કી અધિચ્છદ)
(b) પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે. સ્નાયુબંધ (ટેન્ડન)
(c) પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે છે. અન્નવાહક
(d) પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે. મેદપૂર્ણ પેશી
(e) તરલ આંતરકોષીય આધારક દ્રવ્ય ધરાવતી સંયોજક પેશી છે. રુધિર
(f) મગજમાં આવેલી પેશી. ચેતાપેશી

11. નીચે આપેલામાં પેશીના પ્રકારને ઓળખો : ત્વચા, વનસ્પતિની છાલ, અસ્થિ, મૂત્રપિંડનલિકાનું અસ્તર, વાહિપુલ

ભાગ પેશીનો પ્રકાર
ત્વચા લાદીસમ (સ્તૃત) અધિચ્છદ પેશી
વનસ્પતિની છાલ રક્ષણાત્મક પેશી (છાલ / કૉર્ક)
અસ્થિ સંયોજક પેશી
મૂત્રપિંડનલિકાનું અસ્તર ઘનાકાર અધિચ્છદ પેશી
વાહિપુલ જટિલ સ્થાયી પેશી (જલવાહક અને અન્નવાહક)

12. મૃદુત્તક પેશી જે ભાગોમાં હોય છે તે ભાગોનાં નામ આપો.


જવાબ : મૃદુતક પેશી પ્રકાંડ અને મૂળના બાહ્યક અને મજ્જામાં, પર્ણના મધ્યપર્ણમાં, ફળ અને પુષ્પના નરમ ભાગોમાં જોવા મળે છે. (હરિતકણ ધરાવતી મૃદુતક પેશીને હરિતકણોતક અને જલીય વનસ્પતિમાં મોટા વાયુકોટરો ધરાવતી પેશીને વાયુતક કહે છે.)

13. વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે ?


જવાબ : (1) અધિસ્તર વનસ્પતિના સમગ્ર શરીરને રક્ષણ આપે છે.
(2) તેના પર આવેલું મીણ જેવું જલરોધી સ્તર (ક્યુટિકલ) પાણીનો વ્યય, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગના આક્રમણ સામે રક્ષણ આપે છે.
(3) પર્ણના અધિસ્તરમાં આવેલાં રંધ્રો વાયુઓની આપ-લે અને બાષ્પોત્સર્જનમાં મદદ કરે છે.
(4) મૂળના અધિસ્તરના કોષો મૂળરોમ બનાવી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે.

14. છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે ?


જવાબ : છાલના કોષો મૃત હોય છે અને આંતરકોષીય અવકાશ વગર એકબીજા સાથે ગાઢ રીતે ગોઠવાયેલા હોય છે. તેમની કોષદીવાલ પર સુબેરિન નામનો રાસાયણિક પદાર્થ જમા થયેલો હોય છે, જેના કારણે તે વાયુ અને પાણી માટે અપ્રવેશશીલ બને છે. આમ, છાલ વનસ્પતિને પાણીના વ્યય, યાંત્રિક ઈજા અને રોગજનકો સામે રક્ષણ આપે છે.

15. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :

સ્થાયી પેશી પેટા પ્રકાર પેશીઓ
સ્થાયી પેશી સરળ મૃદુતક, સ્થૂલકોણક, દૃઢોત્તક
સ્થાયી પેશી જટિલ જલવાહક, અન્નવાહક
🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments