ધોરણ-9 [સામાજિક વિજ્ઞાન] 19. ભારત : લોકજીવન | std-9 [social-science] 19. bharat lokjivan

GSEB Std 9 Social Science Chapter 19 Bharat : Lokjivan Swadhyay Solution: અહીં ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 19 "ભારત : લોકજીવન" ના અગત્યના મુદ્દાઓ – પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભારતના લોકોનો ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, તહેવારો-ઉત્સવો અને મેળા – તથા સ્વાધ્યાયના તમામ જવાબ આપેલ છે.

std-9-social-science-19-bharat-lokjivan-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ (IMP Notes) ✦

વિવિધતામાં એકતા : આબોહવા અને ભૂપૃષ્ઠની વિવિધતાને કારણે ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારોમાં ભિન્નતા.

પશ્ચિમ ભારત : રાજસ્થાન – બાજરી, દાળ-બાટી, રંગબેરંગી પાઘડી, ઊંટના ચામડાનાં પગરખાં, ઘુમ્મર-કચ્છીઘોડી-કાલબેલિયા; ગુજરાત – રોટલી, ખમણ, ગાંઠિયા, જલેબી, રાસ-ગરબા, કચ્છમાં ભૂંગા; મહારાષ્ટ્ર – સેવ-ઉસળ, ગણેશચતુર્થી, લાવણી; ગોવા – કોંકણી, કાર્નિવલ. મેળા – પુષ્કર, સિદ્ધપુર, વૌઠા, તરણેતર, ભવનાથ, ડાંગદરબાર, ભાડભૂત (18 વર્ષે).

ઉત્તર ભારત : પંજાબ – તંદુરી રોટી, પરોઠા, પનીર, લસ્સી, પંજાબી ડ્રેસ, વૈશાખી-લોહરી, ભાંગડા; કશ્મીર – ભાત-માંસ, ઉર્દૂ; ઉત્તરપ્રદેશ – હોળી, કથક; કુલ્લુનો દશેરા મેળો; પ્રયાગરાજમાં કુંભ-માઘમેળો.

દક્ષિણ ભારત : ઇડલી, ઢોંસા, મેંદુવડા, રસમ; લુંગી; દ્રવિડકુળની ભાષાઓ – તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ; કુચીપુડી, કથકલી, ભરતનાટ્યમ્; ઓણમ, પોંગલ.

પૂર્વ ભારત : ભાત, રસગુલ્લા-સંદેશ, સત્તુ (બિહાર), ચા (અસમ); બંગાળમાં પુકુર; બિહુ, ઓડિસી, જગન્નાથપુરીની રથયાત્રા, છઠ, દુર્ગાપૂજા.

ખાદ્યતેલ : ગુજરાત – સીંગતેલ, ઉત્તર ભારત – સરસિયું, દક્ષિણ ભારત – કોપરેલ.

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યોમાં લખો :

(1) ભારતના લોકોમાં કેવી-કેવી ભિન્નતા જોવા મળે છે ?
જવાબ : ભારત આબોહવા અને ભૂપૃષ્ઠની દૃષ્ટિએ વિવિધતાભર્યો દેશ હોવાથી અહીં વસતા લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો અને તહેવારોમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. જેમ કે દરિયાકિનારાના લોકોનો ખોરાક ભાત-માછલાં અને ઘઉં પકવતા પ્રદેશોનો ખોરાક ઘઉંની બનાવટો છે; ઠંડા પ્રદેશોમાં ઊની અને ગરમ પ્રદેશોમાં સુતરાઉ, આછા રંગનાં ખૂલતાં કપડાં પહેરાય છે. આમ, ભારત વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે.

(2) દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા કયા કુળની છે ? દરેક રાજ્યોમાં બોલાતી ભાષાઓ લખો.
જવાબ : દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ દ્રવિડકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે.

(3) બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો.
જવાબ : બિહારમાં મુખ્ય ભાષા હિન્દી બોલાય છે. મૈથિલી, ભોજપુરી અને માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી બોલીઓ છે.

2. નીચેના પર ટૂંક નોંધ લખો :

(1) પૂર્વભારતનાં રાજ્યો તથા બંગાળી પુરુષો તથા સ્ત્રીઓનો પહેરવેશ
જવાબ : પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે; ઓડિશા અને પશ્ચિમ બંગાળને દરિયાકિનારો મળ્યો છે. બિહારના પુરુષો ધોતિયું, ઝભ્ભો, ખભે ખેસ અને માથે પાઘ પહેરે છે; સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે. ઝારખંડ, અસમ, ઓડિશાના પહેરવેશમાં મોટો તફાવત નથી. બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે અને બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું તથા રેશમી ઝભ્ભો પહેરે છે.

(2) પશ્ચિમ ભારતના તહેવારો-ઉત્સવો
જવાબ : મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્યો ઉત્સવપ્રિય છે. રાજસ્થાનમાં હોળી અને ગણગૌરનો તહેવાર ધામધૂમથી ઊજવાય છે; ઘુમ્મર, કચ્છીઘોડી, કાલબેલિયા જેવાં લોકનૃત્યો જાણીતાં છે. ગુજરાત રાસ-ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે. મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થી ભવ્ય રીતે ઊજવાય છે અને લાવણીનૃત્ય જાણીતું છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શિવરાત્રી ઉત્સાહથી ઊજવાય છે. પશ્ચિમ ભારતના લોકો દિવાળી, નવરાત્રી, શિવરાત્રી, દશેરા, ગણેશચતુર્થી, ઈદ, મહોરમ, નાતાલ, મહાવીર જયંતી, પતેતી, ચેટીચાંદ, બુદ્ધજયંતી વગેરે તહેવારો ઊજવે છે. મેળાઓમાં પુષ્કર (ઊંટ), સિદ્ધપુર, વૌઠા (ગધેડાં), તરણેતર, ભવનાથ, ડાંગદરબાર, ઉજ્જૈન-નાસિકના કુંભમેળા અને ગોવાનો કાર્નિવલ જાણીતા છે.

3. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો :

(1) કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગોવાળો હોય છે ? (A) વધુ (B) ઓછું (C) સમ (D) વિષમ
જવાબ : (A) વધુ

(2) ઊંટના ચામડામાંથી બનેલાં પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે ? (A) ગુજરાત (B) રાજસ્થાન (C) મહારાષ્ટ્ર (D) ગોવા
જવાબ : (B) રાજસ્થાન

(3) ગોવામાં કઈ ભાષા બોલાય છે ? (A) મરાઠી (B) હિન્દી (C) ગુજરાતી (D) કોંકણી
જવાબ : (D) કોંકણી

(4) કયા રાજ્યના લોકો જાત-જાતના પરોઠા આરોગે છે ? (A) ગોવા (B) તમિલનાડુ (C) અસમ (D) પંજાબ
જવાબ : (D) પંજાબ

(5) માઘ મેળો ક્યાં ભરાય છે ? (A) પુષ્કર (B) નાસિક (C) અલાહાબાદ (D) ઉજ્જૈન
જવાબ : (C) અલાહાબાદ

(6) 'પોંગલ' કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? (A) આંધ્રપ્રદેશ (B) તમિલનાડુ (C) મેઘાલય (D) સિક્કિમ
જવાબ : (B) તમિલનાડુ

(7) ઉત્તરાખંડ રાજ્ય કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે ? (A) ફળદ્રુપ મેદાન (B) પર્વતીય (C) દરિયાકિનારો (D) એક પણ નહિ
જવાબ : (B) પર્વતીય

🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments