GSEB Std 9 Social Science Chapter 20 Apatti Vyavasthapan Swadhyay Solution: અહીં ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 20 "આપત્તિ-વ્યવસ્થાપન" ના અગત્યના મુદ્દાઓ – કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ, દરેક આપત્તિમાં શું કરવું-શું ન કરવું, આપત્તિઓની માનવજીવન પર અસરો અને પુનઃસ્થાપન – તથા સ્વાધ્યાયના તમામ જવાબ આપેલ છે.

✦ અગત્યના મુદ્દાઓ (IMP Notes) ✦
આપત્તિના પ્રકાર : (1) કુદરતી – પૂર, વાવાઝોડું, ત્સુનામી, દુકાળ (આગાહી શક્ય), ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ (પૂર્વ આગાહી શક્ય નથી). (2) માનવસર્જિત – આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ, વિષાણુજન્ય રોગ, આતંકવાદી હુમલો.
વાવાઝોડું : ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત, અમેરિકામાં હરિકેન અને ટૉર્નેડો, ચીન-જાપાનમાં ટાઈફૂન.
ત્સુનામી : જાપાનીઝ અર્થ 'વિનાશક મોજાં'; 7 કે વધુ રિક્ટર સ્કેલના સમુદ્રતળના ભૂકંપથી – 'ભૂકંપીય સાગરમોજાં'; 26 ડિસેમ્બર, 2004 – 2 લાખથી વધુ મૃત્યુ.
દાવાનળ : પવનની દિશામાં દર કલાકે આશરે 15 કિમીની ઝડપે ફેલાય.
ભોપાલ ગૅસકાંડ : 3 ડિસેમ્બર, 1984; યુનિયન કાર્બાઇડ; 'મીક' વાયુ; લગભગ 2500 મૃત્યુ.
રોગચાળા : સુરતમાં પ્લેગ (1994); સ્વાઇન ફ્લૂ, ડેંગ્યુ (2015).
આતંકવાદી હુમલા : 11 સપ્ટેમ્બર, 2001 (અમેરિકા), 13 ડિસેમ્બર, 2001 (ભારતીય સંસદ), 26 નવેમ્બર, 2008 (મુંબઈ), ડિસેમ્બર 2014 (પેશાવર).
આપત્તિ પછી : બચાવ → રાહત → પુનઃસ્થાપન. અસરો – ભૌતિક, જનજીવન, આર્થિક અને સામાજિક.
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ આપો :
(1) પૂર સમયે શું કરવું જોઈએ ?
જવાબ : (1) પોતાની કીમતી તથા અંગત જરૂરિયાતની વસ્તુઓ લઈ સલામત સ્થળે આશ્રય લેવો. (2) પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ અને ભેજ ન લાગે તે રીતે પ્લાસ્ટિકની ડબીમાં દીવાસળીની પેટી સાથે રાખવી. (3) બાળકોને ભૂખ્યાં ન રાખવાં. (4) પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને વાપરવું. (5) રેડિયો, મોબાઇલ ફોન અચૂક સાથે રાખવા. (6) સાપથી સાવધાન રહેવું અને તેને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી. શું ન કરવું : પૂરના પાણીથી બનાવેલ ખોરાક ન ખાવો અને માર્ગો-પરિસ્થિતિની ચોક્કસ માહિતી વિના સલામત સ્થળેથી બહાર ન નીકળવું.
(2) ત્સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો.
જવાબ : સમુદ્રમાં પેદા થતાં વિનાશક શક્તિશાળી મોજાંને ત્સુનામી કહે છે; જાપાનીઝ ભાષામાં તેનો અર્થ 'વિનાશક મોજાં' થાય છે. તેની ઉત્પત્તિ સમુદ્રતળમાં સાત કે વધુ રિક્ટર સ્કેલના ભૂકંપ, સમુદ્રી જ્વાળામુખીના પ્રસ્ફોટન કે મોટા પાયાના સાગરીય ભૂસ્ખલનથી થાય છે; મોટે ભાગે ભૂકંપથી થતી હોવાથી તેને 'ભૂકંપીય સાગરમોજાં' પણ કહે છે. ઊંડા સમુદ્રમાં તે ઓછી ઊંચાઈને કારણે દેખાતાં નથી, પરંતુ કિનારા પાસે છીછરા પાણીમાં ઝડપ ઘટે અને ઊંચાઈ વધતાં પાણીની દીવાલ બની ભારે તબાહી મચાવે છે. 26 ડિસેમ્બર, 2004ની હિંદ મહાસાગરની ત્સુનામીએ 2 લાખથી વધુ લોકોનો ભોગ લીધો હતો. શું કરવું : સૂચના મળતાં કિનારાથી દૂર જવું, રેડિયો હાથવગો રાખવો, બાંધકામ ત્સુનામીનાં પાસાં ધ્યાનમાં રાખી કરવું અને મૅન્ગ્રોવનો વ્યાપ વધારવો. શું ન કરવું : કિનારાનાં ઊંચાં મકાનો પર આશરો ન લેવો અને સૂચના વિના કિનારા તરફ ન જવું.
(3) ગૅસ ગળતર સમયે શું ન કરવું જોઈએ ?
જવાબ : (1) બચાવ કામગીરીમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું. (2) સત્તાવાળા તરફથી ક્ષેત્ર પૂર્ણ રીતે સલામત જાહેર ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ ન કરવો. (3) પ્રશિક્ષણ અને જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહિ.
(4) વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો.
જવાબ : (1) ચેપ ન લાગે તે અંગે સાવચેતી રાખવી – એ સૌથી મહત્ત્વનો ઉપાય છે. (2) પ્રચાર-પ્રસાર દ્વારા લોકોને રોગનાં કારણો, પરિણામો અને બચાવથી વાકેફ કરવા. (3) રોગપ્રતિકારક રસી લેવી. (4) દર્દીઓની સારવાર માટે અલાયદા વૉર્ડની વ્યવસ્થા કરવી. (5) વિશ્વ આરોગ્ય સંસ્થાની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ પગલાં લેવાં.
2. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો :
(1) આપત્તિની માનવજીવન પર અસરો સવિસ્તર વર્ણવો.
જવાબ : આપત્તિઓની અસર બધા પર પડે છે, પરંતુ સૌથી માઠી અસર ગરીબ અને અભાવગ્રસ્ત લોકો પર પડે છે. તેને ચાર પ્રકારમાં વહેંચી શકાય : (1) ભૌતિક અસરો : સ્થાવર-જંગમ મિલકતોને ભારે નુકસાન કે નાશ થાય છે; રસ્તા, રેલમાર્ગો, પુલ, વીજળી, ગૅસ, સંદેશાવ્યવહાર જેવી આંતરમાળખાકીય સુવિધાને ક્ષતિ પહોંચે છે; પૂરથી ફળદ્રુપ જમીનનું ભારે ધોવાણ થાય છે. (2) જનજીવન પર અસરો : અનેક લોકો મૃત્યુ પામે છે કે કાયમી વિકલાંગ બને છે; સ્વજનો ગુમાવનાર આઘાત અને હતાશામાં સરે છે; બાળકો અનાથ અને વૃદ્ધો નિરાધાર બને છે; તેમનું પુનર્વસન કપરું બને છે. (3) આર્થિક અસરો : પુનઃનિર્માણ માટે મોટું નાણાભંડોળ જોઈએ, ચાલુ વિકાસ કામો અટકે છે, યોજનાઓ લંબાય છે, ઔદ્યોગિક એકમો બંધ રહેતાં બેરોજગારી વધે છે અને લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે. (4) સામાજિક અસરો : લોકોનું સ્થળાંતર કે પલાયન સામાજિક ઢાંચાને અસર કરે છે; સામાજિક ઉત્સવો નીરસ બને છે અને સામાજિક સંસ્થાઓ નબળી પડે છે.
(2) આપત્તિ પછીનું પુનઃસ્થાપન – નોંધ કરો.
જવાબ : આપત્તિમાં પ્રથમ બચાવ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનનો ક્રમ આવે છે. આપત્તિના સ્વરૂપ મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાતો જુદી હોય છે : ભૂકંપ, પૂર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ; દુષ્કાળ બાદ નવી રોજગારી અને ખેતી માટે સાધન-સહાય; વિષાણુજન્ય રોગચાળા પછી લોકશિક્ષણ અને જનજાગૃતિના કાર્યક્રમો. માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચી હોવાથી પુનઃનિર્માણ ભારે અવરોધો વચ્ચે કરવું પડે છે. માત્ર એક-બે વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુનઃસ્થાપન અઘરું છે. વિનાશ નજરે જોનાર લોકોને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની સમયસર વ્યવસ્થા જરૂરી છે અને કાયમી વિકલાંગ બનેલા લોકો માટે તાલીમ-રોજગારીની ગોઠવણ કરવી પડે છે. આમ, પુનઃસ્થાપન પડકારજનક કાર્ય છે, જે યોગ્ય આયોજનથી તબક્કાવાર પાર પાડી શકાય છે.
3. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો :
(1) નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે ? (A) ભૂકંપ (B) ચક્રવાત (C) પૂર (D) હુલ્લડ
જવાબ : (D) હુલ્લડ
(2) મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે ? (A) નદી (B) મહાસાગર (C) પર્વત (D) ટાપુ
જવાબ : (A) નદી
(3) પૂર ઓસર્યા બાદ પીવા કેવું પાણી વાપરશો ? (A) બે વાર ગાળેલું (B) વહેતા પ્રવાહનું (C) ચોખ્ખું દેખાતું (D) ઉકાળેલું
જવાબ : (D) ઉકાળેલું
(4) વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં...... (A) ટાયફૂન (B) હરિકેન (C) વિલિ-વિલી (D) ટૉર્નેડો
જવાબ : (B) હરિકેન (અમેરિકામાં તેને ટૉર્નેડો પણ કહે છે.)
(5) ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં..... (A) ભરતી મોજાં (B) ભમ્મરિયાં મોજાં (C) વિનાશક મોજાં (D) ભૂકંપીય મોજાં
જવાબ : (C) વિનાશક મોજાં
(6) ભોપાલ ગૅસકાંડમાં ગળતર થયેલો વાયુ..... (A) ઓઝોન (B) મીક (C) સલ્ફર ડાયૉક્સાઇડ (D) મિથેન
જવાબ : (B) મીક
Comments
Post a Comment