GSEB Std 10 Gujarati Chapter 3 Shilvant Sadhune Swadhyay Solution: અહીં ધોરણ 10 ગુજરાતી (પ્રથમ ભાષા) વિષયના પાઠ 3 "શીલવંત સાધુને" (ભજન - ગંગાસતી) નો કવયિત્રી પરિચય, ભજન, સમજૂતી, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ તથા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સચોટ જવાબો આપેલ છે.

✦ કવયિત્રી પરિચય અને ભજનની સમજૂતી ✦
કવયિત્રી પરિચય : ગંગાસતી (ગંગાબા કહળસંગ ગોહિલ)નો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. સમાધિ લેતાં પહેલાં તેમણે શિષ્યા પાનબાઈને બાવન દિવસ સુધી રોજ એક-એક રચના સંભળાવી હતી, જે આજે ભજનો રૂપે પ્રચલિત છે. 'વીજળીને ચમકારે', 'મેરુ રે ડગે', 'શીલવંત સાધુને', 'ભક્તિ કરવી તેણે' તેમનાં જાણીતાં પદો છે. તેઓ યોગમાર્ગે ખૂબ આગળ વધેલાં હતાં.
કાવ્યપ્રકાર : ભજન
ભજનની સમજૂતી : આ ભજનમાં ગંગાસતી આદર્શ સંત કેવા હોય તે સમજાવે છે. જેનામાં સર્વ ગુણોનો વિકાસ થયો હોય તે શીલવંત છે. આવા સાધુનું વર્તન સંજોગો બદલાય તોય બદલાતું નથી, તેમનું ચિત્ત હંમેશાં નિર્મળ હોય છે અને તેમના પર ભગવાન પ્રસન્ન હોય છે. તેમના હૃદયમાં શત્રુ કે મિત્રનો ભેદ નથી અને તેમને પરમાર્થમાં પ્રીતિ હોય છે. તેઓ મન, વચન અને વાણીમાં એકસરખા રહી સારી રીતે જીવન જીવે છે. આઠે પ્રહર તેઓ આનંદમાં મસ્ત રહે છે, કારણ કે તેમનામાં તુરીયાવસ્થા (ધ્યાનાવસ્થા) જાગી ગઈ છે. નામ અને રૂપને મિથ્યા જાણી તેઓ સદાય ભજનમાં લીન રહે છે. ગંગાસતી પાનબાઈને કહે છે કે સંગત કરવી હોય તો આવા સાધુની કરવી, જેથી ભવસાગર પાર ઊતરી શકાય. આવા સાધુને વારંવાર નમવું જોઈએ.
✦ ભજન : શીલવંત સાધુને ✦
શીલવંત સાધુને વારે વારે નમીએ,
જેના બદલે નહીં વર્તમાન રે.
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ,
જેને મા'રાજ થાય મહેરબાન રે....શીલવંત-૧
જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં,
જેને પરમાર્થમાં પ્રીત રે.
મન વચન ને વાણીમાં ચાલે ને
રૂડી પાળે એવી રીત રે. ...શીલવંત-૨
આઠે પો'ર મન મસ્ત થઈ રે'વે,
જેને જાગી ગયો તુરિયાનો તાર રે.
નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને
સદાય ભજનનો વ્યાપાર રે. ...શીલવંત-૩
સંગતું કરો તો તમે એવાની કરશો ને
તો ઊતરશો ભવ પાર રે.
ગંગાસતી એમ બોલિયાં રે, પાનબાઈ
જેને વચનુંમાં વિશ્વાસ રે. ...શીલવંત-૪
('ગંગાસતીની ભજનગંગા'માંથી)
✦ શબ્દ-સમજૂતી ✦
શબ્દાર્થ / સમાનાર્થી શબ્દો : શીલવંત - શીલવાળું, સદાચારી, ચારિત્ર્યવાન; ઉર - હૈયું; મિથ્યા - ફોગટ, વ્યર્થ; પ્રહર - ત્રણ કલાક, સાડા સાત ઘડી
તળપદા શબ્દો : નિરમળ - નિર્મળ; રૂડી - સારી; મા'રાજ - મહારાજ; પરમારથ - પરમાર્થ; રે'વે - રહે; વચનુંમાં - વચનોમાં; વ્યાપાર - વ્યવહાર; પો'ર - પ્રહર; સંગતું - સંગત
વિરુદ્ધાર્થી શબ્દો : નિર્મળ × મલિન; શત્રુ × મિત્ર; વ્યવહાર × દુર્વ્યવહાર
રૂઢિપ્રયોગ : નામ ને રૂપ મિથ્યા કરવું - નિર્મોહી થઈને જીવવું; તુરિયાનો તાર જાગી ઊઠવો - સમજણશક્તિનો ઉદય થવો (ચોથી અવસ્થા, બ્રહ્મ અવસ્થા); આઠે પો'ર આનંદ - હંમેશાં પ્રસન્ન રહેવું
શબ્દસમૂહ માટે એક શબ્દ : પારકાના હિત માટે કાર્ય કરવું - પરમાર્થ; મલિન નથી તેવું - નિર્મળ
ભાષા-અભિવ્યક્તિ : પંક્તિને અંતે આવતો 'રે' ભજનમાં નાદમાધુર્ય ઉમેરે છે. 'દિન-રાત'ને બદલે 'આઠે પો'ર' (ચાર પ્રહર દિવસના + ચાર રાત્રિના = 24 કલાક) વપરાયું છે. 'વચનું', 'સંગતું' માં બહુવચન માટે 'ઉ' પ્રત્યય સૌરાષ્ટ્રની પ્રાદેશિક ખાસિયત બતાવે છે.
✦ સ્વાધ્યાય ✦
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓)ની નિશાની કરો :
(1) 'જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં' - પંક્તિનો ભાવ શો છે ? (A) બધા દુશ્મનો હોવાનો ભાવ (B) બધા મિત્રો હોવાનો ભાવ (C) જીવનથી નિર્લેપ બનવાનો ભાવ (D) શત્રુને મિત્ર બનાવવાનો ભાવ
જવાબ : (C) જીવનથી નિર્લેપ બનવાનો ભાવ (✓)
(2) 'શીલવંત સાધુ'નો શબ્દાર્થ (A) ચારિત્ર્યવાન (B) શરમાળ (C) નાશવંત (D) લજ્જાશીલ
જવાબ : (A) ચારિત્ર્યવાન (✓)
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :
(1) ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યાં છે ?
જવાબ : ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી પોતાની શિષ્યા પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યાં છે.
(2) શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે ?
જવાબ : શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ હોય છે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :
(1) ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે ?
જવાબ : ગંગાસતી પાનબાઈને શીલવંત સાધુની સંગત કરવાનું કહે છે - જેનું ચિત્ત નિર્મળ હોય, જેના મનમાં શત્રુ-મિત્રનો ભેદ ન હોય, જે મન-વચન-કર્મથી એક હોય અને સદાય ભજનમાં લીન રહેતા હોય. આવા સાધુની સંગતથી ભવસાગર પાર ઊતરી શકાય છે.
(2) કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે ?
જવાબ : શીલવંત સાધુનું વર્તન કોઈ પણ સંજોગોમાં બદલાતું નથી, તેમનું ચિત્ત નિર્મળ છે અને તેમના પર ભગવાનની કૃપા છે. આવા ગુણવાન સાધુ વંદનીય છે અને તેમની સંગતથી જીવન સુધરે છે, તેથી કવયિત્રી તેમને વારંવાર નમવાનું કહે છે.
4. નીચેના પ્રશ્નનો સાત-આઠ લીટીમાં જવાબ આપો :
(1) 'શીલવંત સાધુ' તમે કોને કહેશો ? તે કાવ્યના આધારે જણાવો.
જવાબ : માત્ર ભગવાં વસ્ત્રો પહેરનાર દરેક વ્યક્તિ શીલવંત સાધુ નથી; જેનું ચારિત્ર્ય ઉત્તમ હોય તે જ શીલવંત સાધુ છે. શીલવંત સાધુનું વર્તન સુખ-દુઃખના કોઈ પણ સંજોગોમાં બદલાતું નથી. તેમના ચિત્તની વૃત્તિ હંમેશાં નિર્મળ હોય છે અને તેમના પર ભગવાન મહેરબાન હોય છે. તેમના હૃદયમાં શત્રુ કે મિત્રનો કોઈ ભેદ હોતો નથી અને તેમને પરમાર્થમાં જ પ્રીતિ હોય છે. તેઓ મન, વચન અને વાણીમાં એકરૂપ રહી સારી રીતે જીવન જીવે છે. તુરીયાવસ્થા જાગી ગઈ હોવાથી તેઓ આઠે પ્રહર આનંદમાં મસ્ત રહે છે. નામ અને રૂપના મોહને મિથ્યા જાણી તેઓ સદાય ભજનમાં લીન રહે છે. આવા સાધુની સંગતથી ભવસાગર પાર ઊતરી શકાય છે, તેથી હું આવા ગુણો ધરાવનારને જ 'શીલવંત સાધુ' કહીશ.
✦ વિદ્યાર્થીની પ્રવૃત્તિ ✦
• ગંગાસતીના પદને આધારે શીલવાન મનુષ્યનાં લક્ષણોનો ચાર્ટ બનાવો. • ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામમાં ગંગાસતીના આશ્રમના સમાધિસ્થાનની મુલાકાત ગોઠવો.
નમૂનારૂપ ચાર્ટ : (1) વર્તમાન (વર્તન) ન બદલાય (2) ચિત્ત નિર્મળ (3) શત્રુ-મિત્રનો ભેદ નહીં (4) પરમાર્થમાં પ્રીત (5) મન-વચન-કર્મમાં એકતા (6) આઠે પ્રહર આનંદ (7) નામ-રૂપનો મોહ નહીં (8) સદાય ભજનમાં લીન
જવાબ : આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીએ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જાતે કરવાની છે.
Comments
Post a Comment