GSEB Std 10 Gujarati Chapter 6 Viral Infection Swadhyay Solution: અહીં ધોરણ 10 ગુજરાતી (પ્રથમ ભાષા) વિષયના પાઠ 6 "વાઈરલ ઇન્ફેક્શન" (નિબંધ - ગુણવંત શાહ) નો લેખક પરિચય, નિબંધનો સાર, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ તથા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સચોટ જવાબો આપેલ છે.

✦ લેખક પરિચય અને નિબંધનો સાર ✦
લેખક પરિચય : ગુણવંત શાહ (જન્મ : 12-03-1937)નું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. તેમણે વડોદરા, અમેરિકાની મિશિગન અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપી છે. 'કાર્ડિયોગ્રામ', 'રણ તો લીલાંછમ', 'વગડાને તરસ ટહુકાની', 'વિચારોના વૃંદાવનમાં' તેમના નિબંધસંગ્રહો છે; 'બિલ્લો ટિલ્લો ટચ' અને 'જાત ભણીની જાત્રા' આત્મકથા છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, 'સાહિત્યરત્ન' ઍવૉર્ડ અને 'પદ્મશ્રી' મળ્યા છે.
સાહિત્યપ્રકાર : નિબંધ ('મરો ત્યાં સુધી જીવો'માંથી)
- શરીર પ્રત્યે બેદરકારી : એક જમાનામાં ચીનમાં ગામમાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા થતી. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાથી વર્તે છે; ભણેલા લોકો પણ ખાવાપીવામાં બેદરકાર છે. હૃદયરોગ વર્ષોના બેઠાડુપણા અને ગમે તેવા ખોરાકનું પરિણામ છે.
- આરોગ્યની જાળવણી : હૉસ્પિટલની ખરી શોભા તેના ખાલી ખાટલા છે. નીરોગી માણસે પણ નિયમિત તપાસ કરાવવી જોઈએ. OPDમાં ભીડ, અનાથાશ્રમમાં બાળકો અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજની નિશાની નથી.
- ગંદકી : 'વાઈરલ ઇન્ફેક્શન' એટલે સરનામા વગરનું વી.પી. પાર્સલ. જ્યાં માણસ અને ઉકરડો સાથે રહે ત્યાં રોગચાળો ફેલાય. ભારતીય પ્રજામાં ગંદકી પ્રત્યે સૂગ ઓછી છે; સ્વામી વિવેકાનંદ ગંદકીથી ખલેલ પામનાર પ્રથમ સંત હતા. આપણે ત્યાં રોગ નિયમ અને આરોગ્ય અપવાદ છે.
- વ્યસન અને ખોટી ટેવો : ગુટખા ખાનારને સફરજન અને સિગારેટ પીનારને સૂકો મેવો મોંઘો લાગે છે. રોગના મૂળમાં સમજણનો અભાવ છે.
- મન અને આરોગ્ય : મનની પ્રસન્નતા પાચનશક્તિ જાળવે છે; ઈર્ષા, તાણ, ચિંતા અને અહંકાર રોગ પેદા કરે છે. હાસ્ય, ભજન અને પ્રાર્થના તાણ ઘટાડે છે. ધૂમ્રપાન મનની બેચેનીનું વાયુસ્વરૂપ છે.
- પ્રેમનો ઉપચાર : પરિવારમાંથી ભરપૂર સ્નેહ મળે તો શરાબની જરૂર ન પડે. પ્રેમાળ પરિવાર તન-મનના આરોગ્યની પૂર્વશરત છે; સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડંડ છે.
✦ શબ્દ-સમજૂતી ✦
શબ્દાર્થ / સમાનાર્થી શબ્દો : બેદરકાર - કાળજી વગરનું; મથવું - મહેનત કરવી, (અહીં) પ્રયત્ન કરવો; વાઈરલ - રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જંતુવાળું; સાધના - સાધવું તે; નીરોગી - તંદુરસ્ત, આરોગ્યમય; પ્રહાર - ઘા; કાર્ડિયોગ્રામ - હૃદયના ધબકારા આલેખતું યંત્ર; સંકટ - આપત્તિ, આફત; અહંકાર - અભિમાન; સાઈકિયાટ્રિસ્ટ - મનોચિકિત્સક
તળપદા શબ્દો : વછૂટી જવું - નીકળી જવું, (અહીં) રેબઝેબ થઈ જવું
વિરુદ્ધાર્થી શબ્દો : માંદું × સાજું; અસહ્ય × સહ્ય; સ્વીકાર × અસ્વીકાર; સ્વસ્થ × અસ્વસ્થ; સ્થૂળ × સૂક્ષ્મ; ગંદકી × સ્વચ્છતા; સ્વચ્છ × અસ્વચ્છ
રૂઢિપ્રયોગ : સૂગ હોવી - ચીતરી ચડવી; મનના મેલા હોવું - ખરાબ દાનતના હોવું
શબ્દસમૂહ માટે એક શબ્દ : વ્યંગમાં કહેવું તે - કટાક્ષ; જેની કોઈ સંભાળ રાખનાર નથી - અનાથ; જેને કોઈ રોગ નથી - નીરોગી
✦ સ્વાધ્યાય ✦
1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓)ની નિશાની કરો :
(1) એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા ? (A) દવાખાને જતા (B) ડૉક્ટર પાસે જતા (C) દાક્તરને સજા કરતા (D) ખબર કાઢવા જતા
જવાબ : (C) દાક્તરને સજા કરતા (✓)
(2) હૉસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે ? (A) હૉસ્પિટલ દર્દીઓથી ઊભરાતી હોય તેનાથી (B) હૉસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી (C) રંગબેરંગી લાઇટ કરવાથી (D) ફૂલોથી શણગારવાથી
જવાબ : (B) હૉસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી (✓)
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :
(1) ખાવા-પીવાની બાબતમાં કોણ બેદરકાર છે ?
જવાબ : ભણેલા લોકો પણ ખાવા-પીવાની બાબતમાં અભણની માફક બેદરકાર છે.
(2) ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા, તે પાઠના આધારે જણાવો.
જવાબ : ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સૌપ્રથમ સંત સ્વામી વિવેકાનંદ હતા.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :
(1) લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે ?
જવાબ : ઓ.પી.ડી.માં દર્દીઓનું કીડિયારું ઊભરાય, અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે - આ બાબતોને લેખક સભ્ય અને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે પણ યોગ્ય નથી.
(2) લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે ?
જવાબ : લેખકના મતે જો દરેક માણસને મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ તેને શરાબની જરૂર નહીં પડે અને તે વ્યસની બનતો અટકી જશે.
4. નીચેના પ્રશ્નોના સાત-આઠ વાક્યોમાં ઉત્તર આપો :
(1) આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો.
જવાબ : લેખક માને છે કે માણસ પોતાના શરીર સાથે નિર્દયતાથી વર્તે છે અને માંદગીની વાત ગૌરવથી કરે છે, જે ખોટું છે. બેઠાડુ જીવન અને ગમે ત્યારે, ગમે તેવું, ગમે તેટલું ખાવાથી હૃદયરોગ જેવા રોગો થાય છે; તેથી પરિશ્રમ કરી પરસેવો પાડવો જોઈએ. નીરોગી માણસે પણ નિયમિત રીતે લોહી, કાર્ડિયોગ્રામ અને દાંતની તપાસ કરાવવી જોઈએ. ગંદકીથી રોગચાળો ફેલાય છે, તેથી સ્વચ્છતા જાળવવી જરૂરી છે. ગુટખા, સિગારેટ અને શરાબ જેવાં વ્યસનો છોડી ફળ જેવો પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. મનની પ્રસન્નતા શરીરને સ્વસ્થ રાખે છે; ઈર્ષા, તાણ, ચિંતા અને અહંકારથી દૂર રહી હસતાં રહેવું, ભજન-પ્રાર્થના કરવી જોઈએ. પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્યની પૂર્વશરત છે.
(2) લેખકે સૂચવેલાં સામાજિક જાગૃતિનાં પગલાં જણાવો.
જવાબ : લેખક સમાજને જાગૃત કરવા અનેક પગલાં સૂચવે છે. પ્રજામાં ગંદકી પ્રત્યે સૂગ જાગે અને જાહેર આરોગ્ય સુધરે તે માટે સ્વચ્છતા જાળવવી જોઈએ. માંદગીને ગૌરવની નહીં પણ શરમની બાબત ગણવી જોઈએ, જેમ ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. લોકોએ રોગ થયા પછી નહીં, પણ નીરોગી હોય ત્યારે જ નિયમિત તપાસ કરાવવાની ટેવ પાડવી જોઈએ. ગુટખા, સિગારેટ, શરાબ જેવાં વ્યસનો અને તળેલા ખોરાકની કુટેવો છોડવી જોઈએ. શિક્ષણનો ફેલાવો કરી લોકોમાં શરીર વિશે સમજણ વધારવી જોઈએ. પરિવારમાં પ્રેમ, હાસ્ય અને પ્રાર્થનાનું વાતાવરણ રાખી તાણ દૂર કરવી જોઈએ. 'લવ થેરપી' એટલે પ્રેમને ઉપચાર તરીકે સ્વીકારવો જોઈએ, જેથી હૉસ્પિટલ કે મનોચિકિત્સક પાસે જવું ન પડે.
✦ વિદ્યાર્થીની પ્રવૃત્તિ ✦
• આસન-પ્રાણાયામને દૈનિક જીવનમાં સ્થાન આપો. • ઘર અને શાળાની આસપાસ સફાઈનું આયોજન કરો. • શાળામાં "વર્ગખંડ સુશોભન" સ્પર્ધાનું આયોજન કરો. • વ્યસનથી થતા ગેરલાભ વિશે માહિતી એકત્ર કરો.
જવાબ : આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીએ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જાતે કરવાની છે.
Comments
Post a Comment