GSEB Std 9 Gujarati Purak Vanchan 4 Upyogi Tankani Lai Laiye: અહીં ધોરણ 9 ગુજરાતી (પ્રથમ ભાષા) પૂરક વાચન 4 "ઉપયોગી ટાંકણી લઈ લઈએ" (કુમારપાળ દેસાઈ) નો લેખક પરિચય, નિબંધનો સાર, તેમાંના પ્રેરક પ્રસંગો અને શબ્દાર્થ આપેલ છે.

✦ લેખક પરિચય અને નિબંધનો સાર ✦
લેખક : કુમારપાળ દેસાઈ (જન્મ : 30-8-1942); વતન સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા, જન્મ અમદાવાદ; ગુજરાતીના અધ્યાપક. 'અખબારી લેખન', 'સાહિત્ય અને પત્રકારત્વ', 'અપંગનાં ઓજસ'; વર્તમાનપત્રોમાં લોકભોગ્ય કટારલેખક; 'ગુજરાત વિશ્વકોશ'માં મુખ્ય કામગીરી.
સાહિત્યપ્રકાર : નિબંધ
સાર : જગતમાં કોઈ માનવી, મહાત્મા કે ઈશ્વર નિંદામુક્ત રહી શક્યા નથી; 'ધમ્મપદ' કહે છે કે લોકો વાચાળની, થોડું બોલનારની અને મૌન રહેનારની પણ નિંદા કરે છે. મનની હતાશા અને દૃષ્ટિની નકારાત્મકતા ટીકાનો આધાર છે; ટીકા સ્વપ્રશંસાનો ટૂંકો માર્ગ છે. લોકમાન્ય ટિળક કહેતા - 'ચાની સાથોસાથ હું મારી ટીકાઓને પણ પી રહ્યો છું.' ચાર્લ્સ ડાર્વિનને પિતાએ કુટુંબનું કલંક કહ્યો, છતાં અંતરના અવાજને અનુસરી તે ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા બન્યો. વિન્સ્ટન ચર્ચિલે કહ્યું કે દરેક ટીકાનો જવાબ આપું તો બીજું કંઈ કામ કરી ન શકું. સંત કબીરે નિંદકને આંગણામાં કુટિર બાંધી રાખવા કહ્યું, કારણ કે તે સાબુ-પાણી વિના નિર્મળ કરે છે.
ગાંધીજીનો પ્રસંગ : અસ્પૃશ્યતાને હિન્દુ ધર્મનું કલંક ગણાવતાં એક માણસે ગુસ્સામાં અપશબ્દોભર્યો પત્ર લખ્યો. ગાંધીજીએ શાંતિથી વાંચી તેમાંની ટાંકણી કાઢી લીધી અને પત્ર ફાડી નાખ્યો - 'આખા પત્રમાંથી માત્ર આ ટાંકણી રાખવા જેવી હતી.' ટીકામાંથી ગ્રહણ કરવા જેવું હોય તે લઈ લેવું - એ ઉત્તમ દૃષ્ટાંત છે.
લિંકનનો પ્રસંગ : સ્ટેન્ટન અબ્રાહમ લિંકનનો ઉદ્ધત ટીકાકાર હતો - તેણે લિંકનને 'મૂરખનો સરદાર' પણ કહ્યા; છતાં તેની કાર્યશક્તિ જોઈ લિંકને તેને યુદ્ધમંત્રી બનાવ્યો. સમય જતાં સ્ટેન્ટનને લિંકનની મહાનતા સમજાઈ અને તેમના મૃત્યુ પછી તેણે જ સૌથી મહાન અંજલિ આપી. સંદેશ : ટીકાકારનું હૃદય પણ બદલાઈ શકે છે; ટીકાથી અકળાયા વિના તેમાંથી ઉપયોગી હોય તે લઈ લેવું. (મૂળ નિબંધ પાઠ્યપુસ્તકમાંથી વાંચવો.)
✦ શબ્દાર્થ ✦
શબ્દાર્થ : દૃષ્ટિ - નજર, મીટ; અખબાર - વર્તમાનપત્ર, સમાચારપત્ર; દરકાર - પરવા, કાળજી; ટીકા - નિંદા, વગોવણી; પૃથ્વી - ધરતી, વસુધા, અવનિ; મૃત્યુ - અવસાન, નિધન; કુટિર - ઝૂંપડી, કૂબો; પ્રશંસા - વખાણ, સ્તુતિ
Comments
Post a Comment