ધોરણ-7 [વિજ્ઞાન] 2. પ્રાણીઓમાં પોષણ | std-7 [science] 2. pranioma poshan

GSEB Std 7 Science Chapter 2 Pranioma Poshan Swadhyay Solution: અહીં ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રકરણ 2 "પ્રાણીઓમાં પોષણ" (Pranioma Poshan) ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, પાઠના મુખ્ય મુદ્દાઓ (IMP Notes), મનુષ્યમાં પાચનતંત્ર, દાંતના પ્રકાર અને કાર્ય, વાગોળનારા પ્રાણીઓમાં પાચન, અમીબામાં પોષણ, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો તેમજ પ્રવૃત્તિઓ સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.

std-7-science-2-pranioma-poshan-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ (Std 7 Science Ch 2 IMP Notes) ✦

  • પ્રાણી પોષણમાં, પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે.
  • કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે. જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે.
  • ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ : ખોતરીને, ચાવીને, નળી જેવા મુખાંગો દ્વારા, પકડીને અને ગળીને, ચૂસીને વગેરે.
  • મનુષ્યમાં પાચન : ખોરાક સળંગ માર્ગમાંથી પસાર થાય છે જે મુખગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે : (1) મુખગુહા (2) અન્નનળી (3) જઠર (4) નાનું આંતરડું (5) મોટું આંતરડું જે મળાશય અને (6) મળદ્વારમાં અંત પામે છે.
  • ગ્રંથિઓ : લાળગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ.
  • પાચકરસો : લાળરસ, પિતરસ, સ્વાદુરસ.
  • ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય છે.
  • પોષણ પ્રક્રિયા : પોષણ પ્રક્રિયા પાંચ તબક્કામાં થાય છે. (1) અંતઃગ્રહણ (2) પાચન (3) શોષણ (4) સ્વાંગીકારણ (5) મળોત્સર્જન.
  • દાંતના પ્રકાર : છેદક, રાક્ષી, અગ્રદાઢ, દાઢ.
  • દાંતનું કાર્ય : કાપવા અને બચકું ભરવા, ચીરવા અને ફાડવા, ચાવવા અને ભરડવા.
  • જીભનું કાર્ય : સ્વાદ પારખવું, બોલવામાં મદદ કરવી, ખોરાકમાં લાળરસ ભેળવવા અને કોળિયાને ગળવામાં મદદ કરવી.
  • વાગોળનારા પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, હરણ પાંદડયુક્ત ખોરાક ગળી જાય છે અને આમાશયમાં સંગ્રહે છે. તે ખોરાક મોંમા પાછો આવે છે અને પ્રાણીઓ શાંતિપૂર્વક ચાવવાની ક્રિયા કરે છે.
  • અમીબા તેનો ખોરાક ખોટા પગ દ્વારા લે છે. ખોરાકનું અન્નધાનીમાં પાચન થાય છે.

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Science Chapter 2 Swadhyay Solution) ✦

1. ખાલી જગ્યા પૂરો :

જવાબ :
(a) અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકારણ, અને મળોત્સર્જન, એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે.
(b) યકૃત માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે.
(c) જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે.
(d) નાના આંતરડાની અંદરની દીવાલમાં ઘણાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને રસાંકુરો કહે છે.
(e) અમીબા તેનાં ખોરાકનું પાચન અન્નધાની માં કરે છે.

2. સાચા વિધાન સામે 'T' અને ખોટાં વિધાન સામે 'F' પર નિશાની કરો.

જવાબ :
(a) સ્ટાર્ચનું પાચન જઠરમાં શરૂ થાય છે. - F
(b) જીભ લાળરસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે. - T
(c) પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે. - T
(d) વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે. - T

3. સાચો વિકલ્પ પસંદ કરો :

(a) ચરબીનું સંપૂર્ણ પાચન ______ માં થાય છે.
(i) જઠર (ii) મોં (iii) નાનાં આંતરડાં (iv) મોટાં આંતરડાં

જવાબ - (a) : (iii) નાનાં આંતરડાં
(b) અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ______ માં થાય છે.
(i) જઠર (ii) અન્નનળી (iii) નાનાં આંતરડાં (iv) મોટાં આંતરડાં

જવાબ - (b) : (iv) મોટાં આંતરડાં

4. કોલમ-I માં આપેલી વિગતોને કોલમ-II સાથે જોડો :

જવાબ :

કૉલમ-I કૉલમ-II
ખોરાકના ઘટકો પાચનની પેદાશો
કાર્બોદિત શર્કરા
પ્રોટીન એમિનો એસિડ
ચરબી ફેટિ એસિડ અને ગ્લિસરોલ

5. રસાંકુરો એટલે શું ? તેનું સ્થાન અને કાર્ય જણાવો.

જવાબ : નાના આંતરડાની અંદરની દીવાલમાં હજારો આંગળી જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાંકુરો કહે છે. તે નાના આંતરડામાં આવેલા હોય છે. તેનું મુખ્ય કાર્ય પાચિત ખોરાકનાં શોષણ માટે સપાટી the વધારવાનું છે, જેથી રુધિરવાહિનીઓ દ્વારા પોષક તત્વોનું શોષણ સરળતાથી થઈ શકે.

6. પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે ? ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે મદદરૂપ થાય છે ?

જવાબ : પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે અને પિત્તાશયમાં સંગ્રહ પામે છે. તે ખોરાકમાં રહેલી ચરબીના પાચન માટે મદદરૂપ થાય છે.

7. એવા કયા કાર્બોદિત ઘટકો છે જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી ? શા માટે ?

જવાબ : સેલ્યુલોઝ એવો કાર્બોદિત ઘટક છે જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી. કારણ કે વાગોળનાર પ્રાણીઓમાં આંતરડું અને કોથળી જેવી મોટી કોઠળી (આમાશય) હોય છે જ્યાં સેલ્યુલોઝનું પાચન કરતા ખાસ બેક્ટેરિયા આવેલા હોય છે, જે મનુષ્યમાં હોતા નથી.

8. આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઊર્જા મળે છે ?

જવાબ : ગ્લુકોઝ એ શર્કરાનું સૌથી સરળ સ્વરૂપ છે, જેને પાચનક્રિયા દરમિયાન વધુ તોડવાની જરૂર પડતી નથી. તે સીધું જ રુધિરમાં શોષાઈ જાય છે અને કોષો દ્વારા ઝડપથી શક્તિ મુક્ત કરવા વપરાય છે, તેથી ગ્લુકોઝમાંથી તાત્કાલિક ઊર્જા મળે છે.

9. આપેલ પ્રક્રિયામાં પાચનમાર્ગનો કયો ભાગ સામેલ છે ?

જવાબ :
(i) ખોરાકનું શોષણ ➔ નાનું આંતરડું
(ii) ખોરાક ચાવવાની ક્રિયા ➔ મુખગુહા
(iii) બેક્ટેરિયાને મારવાની ક્રિયા ➔ જઠર
(iv) ખોરાકનું સંપૂર્ણ પાચન ➔ નાનું આંતરડું
(v) મળનિર્માણ ➔ મોટું આંતરડું (મળાશય)

10. અમીબા અને મનુષ્યના પોષણમાં એક-એક સામ્યતા અને જુદાપણું સમજાવો.

જવાબ :
સામ્યતા : બંનેમાં ખોરાકનું પાચન પાચકરસો દ્વારા થાય છે અને જટિલ ખોરાક સરળ સ્વરૂપમાં ફેરવાય છે.
જુદાપણું : મનુષ્યમાં જટિલ પાચનતંત્ર (મુખ, જઠર, આંતરડું વગેરે) હોય છે જ્યારે અમીબા એકકોષી પ્રાણી છે જેમાં કોઈ ચોક્કસ પાચનમાર્ગ હોતો નથી પરંતુ તે ખોટા પગ દ્વારા ખોરાક પકડી અન્નધાનીમાં પાચન કરે છે.

11. કૉલમ-I માં આપેલી વિગતોને કૉલમ-II સાથે જોડો :

જવાબ :

કૉલમ-I કૉલમ-II
(a) લાળગ્રંથિ (iii) લાળરસનો સ્રાવ
(b) જઠર (iv) એસિડનો સ્રાવ
(c) યકૃત (i) પિત્તરસનો સ્રાવ
(d) મળાશય (ii) અપાચિત ખોરાકનો સંગ્રહ / (vii) મળનો ત્યાગ
(e) નાનું આંતરડું (v) પાચન પૂર્ણ થાય છે
(f) મોટું આંતરડું (vi) પાણીનું શોષણ

12. પાચનતંત્ર દર્શાવતી આકૃતિ 2.11નું નામનિર્દેશન કરો.

જવાબ :

std-7-science-2-pranioma-poshan-eclassguru

13. શું આપણે માત્ર કાચા, પાંદડાંવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ ? ચર્ચા કરો.

જવાબ : ના, આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી કે ઘાસ પર અસ્તિત્વ ટકાવી શકીએ નહીં. કારણ કે ઘાસ અને કાચા પાંદડામાં સેલ્યુલોઝ ભરપૂર હોય છે જેનું પાચન કરવા માટે માનવ શરીર સક્ષમ નથી. વળી, શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, ચરબી, વિટામિન અને કાર્બોદિત જેવા તમામ પોષક તત્વો મેળવવા માટે વિવિધ પ્રકારના ખોરાકની જરૂર પડે છે.

✦ વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃત્તિઓ અને પ્રૉજેક્ટ (Activities & Projects) ✦

1. ડોક્ટરની મુલાકાત લો અને શોધી કાઢો...

જવાબ :
(i) જ્યારે દર્દી અતિશય અશક્ત હોય, ઉલ્ટી-ઝાડા કે ગંભીર બીમારીને કારણે મોં દ્વારા ખોરાક કે પાણી લઈ શકતો નથી ત્યારે ગ્લુકોઝ આપવાની જરૂર પડે છે.
(ii) દર્દી જાતે ખોરાક ખાવા સક્ષમ ન બને અને શરીરમાં શક્તિનું પ્રમાણ સામાન્ય ન થાય ત્યાં સુધી ગ્લુકોઝ બોટલ આપવામાં આવે છે.
(iii) ગ્લુકોઝ સીધું જ રુધિરમાં ભળીને શરીરના કોષોને ત્વરિત ઊર્જા પૂરી પાડે છે અને દર્દીને ઝડપથી સાજા થવામાં મદદ કરે છે.

2. વિટામીન શું છે ? તે શોધો અને માહિતી આપો...

જવાબ : વિટામિન્સ એ કાર્બનિક પદાર્થો છે જે શરીરના યોગ્ય વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ જરૂરી છે.
(i) વિટામિન્સ આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે તેમજ આંખ, હાડકાં, દાંત અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
(ii) વિટામિન મેળવવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, સાઇટ્રસ ફળો (નારંગી, લીંબુ, આમળાં), ગાજર, પપૈયા, દૂધ અને કઠોળ નિયમિત ખાવા જોઈએ.

3. તમારા મિત્રો, પડોશીઓ કે સહાધ્યાયીઓ પાસેથી દૂધિયા દાંત વિશે માહિતી મેળવો...

જવાબ : બાળકોમાં સામાન્ય રીતે 6 મહિનાની ઉંમરે પહેલો દાંત આવે છે અને 6 થી 12 વર્ષની ઉંમર સુધીમાં દૂધિયા દાંત પડી જાય છે અને તેની જગ્યાએ કાયમી દાંત આવે છે. (માહિતી માટેનું કોષ્ટક વિદ્યાર્થીઓએ જાતે મિત્રોની પૂછપરછ કરીને નોંધવાનું રહે છે.)


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

أحدث أقدم