ધોરણ-7 [વિજ્ઞાન] 4. એસિડ, બેઈઝ અને ક્ષાર | std-7 [science] 4. acid, base ane kshar

GSEB Std 7 Science Chapter 4 Acid, Base ane Kshar Swadhyay Solution: અહીં ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રકરણ 4 "એસિડ, બેઈઝ અને ક્ષાર" (Acid, Base ane Kshar) ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, પાઠના મુખ્ય મુદ્દાઓ (IMP Notes), કુદરતી એસિડ અને સ્ત્રોત, તટસ્થીકરણની પ્રક્રિયા, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો તેમજ પ્રવૃત્તિઓ સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.

std-7-science-4-acid-base-ane-kshar-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ (Std 7 Science Ch 4 IMP Notes) ✦

  • એસિડ સ્વાદે ખાટા હોય છે.
  • બેઇઝ સ્વાદે તૂરા હોય છે.
  • કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તે પદાર્થોને સૂચક કહે છે.
  • હળદર, લિટમસ, જાસુદની પાંદડીઓ વગેરે કેટલાક સૂચકો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે.
  • પ્રાકૃતિક સૂચક લિટમસએ લાઈકેન માંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે.
  • લિટમસપત્ર ભૂરા તથા લાલ રંગના મળે છે.
  • એસિડિક પદાર્થો ભૂરા લિટમસપત્રને લાલ રંગનું બનાવે છે.
  • બેઝિક પદાર્થો લાલ લિટમસપત્રને ભૂરા રંગનું બનાવે છે.
  • એવા દ્રાવણો કે જેઓ લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે.
  • એસિડિક પદાર્થો જાસુદના ફૂલના દ્રાવણને ઘેરો ગુલાબી (મેજેન્ટા) રંગમાં ફેરવે છે.
  • બેઝિક પદાર્થો જાસુદના ફૂલના દ્રાવણને લીલા રંગમાં ફેરવે છે.
  • એસિડિક પદાર્થો હળદરપત્ર પર કોઈ અસર કરતું નથી, એટલે કે તેનો પીળો રંગ યથાવત રહે છે.
  • બેઝિક પદાર્થો હળદરપત્રને લાલ રંગમાં ફેરવે છે.
  • કુદરતી એસિડ અને તેના સ્ત્રોત : એસિટિક એસિડ (વિનેગરમાં), ફોર્મિક એસિડ (કીડીના ડંખમાં), સાઇટ્રિક એસિડ (નારંગી, લીંબુમાં), લેક્ટિક એસિડ (દહીંમાં), ઓક્ઝલિક એસિડ (પાલકમાં), એસ્કોર્બિક એસિડ - વિટામિન C (આમળાં, સાઇટ્રસ ફળોમાં), ટાર્ટરિક એસિડ (આંબલી, દ્રાક્ષ, કાચી કેરીમાં).
  • બેઈઝ અને તેના સ્ત્રોત : કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ (ચૂનાના નીતર્યા પાણીમાં), એમોનિયમ હાઈડ્રોક્સાઈડ (કાચ સાફ કરવાના પ્રવાહીમાં), સોડિયમ/પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ (સાબુમાં), મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ (મિલ્ક ઓફ મેગ્નેશિયામાં).
  • વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને એસિડ વર્ષા કહે છે.
  • કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ વરસાદ સાથે ભળીને કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઈટ્રિક એસિડ બનાવે છે.
  • એસેટિક દ્રાવણમાં ફીનોલ્ફથેલીન ઉમેરતા કોઈ રંગમાં ફેરફાર થતો નથી એટલે કે તે રંગવિહિન રહે છે.
  • બેઝિક દ્રાવણમાં ફીનોલ્ફથેલીન ઉમેરતા તે ગુલાબી રંગ આપે છે.
  • તટસ્થીકરણ : એસીડીક દ્રાવણ તથા બેઝિક દ્રાવણ મિશ્ર થાય છે, ત્યારે એસિડની એસિડિક પ્રકૃતિ અને બેઇઝની બેઝિક પ્રકૃતિ નાશ પામે છે પરિણામે દ્રાવણ તટસ્થ થાય છે.
  • તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે જેને ક્ષાર કહે છે.
  • એસિડ તથા બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. આ પ્રક્રિયામાં પાણી, ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે.
  • એસિડ + બેઇઝ ➔ ક્ષાર + પાણી (ઉષ્મા ઉત્પન્ન થાય)
  • વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય તો આપણને અપચો થાય છે.
  • અપચાથી મુક્ત થવા આપણે એન્ટાસિડ (પ્રતિએસિડ) ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ, જે મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઇડ ધરાવે છે. તે વધુ પડતા ઍસિડની અસરનું તટસ્થીકરણ કરે છે.
  • કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં એસિડિક દ્રવ્ય (ફોર્મિક એસિડ) દાખલ કરે છે. આ એસિડની અસરને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા (સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ) અથવા કેલેમાઈન દ્રાવણ જે ઝિંક કાર્બોનેટ ધરાવતું હોય છે તેને ચામડી પર ઘસવું જોઈએ.
  • જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક હોય ત્યારે છોડવાઓનો યોગ્ય વિકાસ થતો નથી.

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Science Chapter 4 Swadhyay Solution) ✦

1. એસિડ તથા બેઈઝ વચ્ચેનો તફાવત જણાવો.

જવાબ :

એસિડ બેઈઝ
1. તે સ્વાદે ખાટા હોય છે. 1. તે સ્વાદે તૂરા હોય છે.
2. તે ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે. 2. તે લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે.
3. તે સ્પર્શે ચીકણા હોતા નથી. 3. તે સ્પર્શે સાબુ જેવા ચીકણા હોય છે.
4. ઉદાહરણ : હાઈડ્રોક્લોરિક એસિડ, લીંબુનો રસ. 4. ઉદાહરણ : સોડિયમ હાઈડ્રોક્સાઈડ, સાબુનું દ્રાવણ.

2. ઘરની ઘણી ચીજવસ્તુઓ જેમ કે, બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે. તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે ?

જવાબ : તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે, કારણ કે બેઈઝ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે.

3. લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે ?

જવાબ : લિટમસનું દ્રાવણ લાઈકેનમાંથી મેળવવામાં (નિષ્કર્ષિત કરવામાં) આવે છે. તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તેનું પરીક્ષણ કરવા માટે પ્રાકૃતિક સૂચક તરીકે થાય છે.

4. શું નિસ્યંદિત પાણી એસિડિક / બેઝિક / તટસ્થ હોય છે ? તમે તેને કેવી રીતે ચકાસશો ?

જવાબ : નિસ્યંદિત પાણી તટસ્થ હોય છે. તેની ચકાસણી કરવા માટે તેમાં લાલ અને ભૂરા લિટમસપત્ર મૂકતાં બંનેમાંથી એકપણ લિટમસપત્રના રંગમાં કોઈ ફેરફાર થતો નથી, જે દર્શાવે છે કે નિસ્યંદિત પાણી તટસ્થ છે.

5. એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો.

જવાબ : એસિડ અને બેઈઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. આ પ્રક્રિયામાં ક્ષાર અને પાણી બને છે તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે.
ઉદાહરણ : મંદ હાઈડ્રોક્લોરિક એસિડ (HCl) માં સોડિયમ હાઈડ્રોક્સાઈડ (NaOH) નું દ્રાવણ ઉમેરતાં તટસ્થીકરણની પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઈડ (મીઠું - NaCl) નામનો ક્ષાર અને પાણી (H₂O) બને છે તથા ગરમી ઉત્પન્ન થાય છે.
હાઈડ્રોક્લોરિક એસિડ (HCl) + સોડિયમ હાઈડ્રોક્સાઈડ (NaOH) → સોડિયમ ક્લોરાઈડ (NaCl) + પાણી (H₂O) + ઉષ્મા

6. સાચા વિધાનમાં 'T' અને ખોટાં વિધાનમાં 'F' પર નિશાની કરો.

જવાબ :
(i) નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે. - F
(ii) સોડિયમ હાઈડ્રોક્સાઈડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. - F
(iii) સોડિયમ હાઈડ્રોક્સાઈડ અને હાઈડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે તથા પાણી અને ક્ષાર બનાવે છે. - પાર્ટ T
(iv) સૂચક એવો પદાર્થ છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા-જુદા રંગ દર્શાવે છે. - T
(v) બેઈઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે. - F

7. દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડાપીણાંની થોડી બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી. તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે. એક ગ્રાહક એસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માગે છે, તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પીણાંની બોટલ પીરસવી ?

જવાબ : દોરજી લિટમસપત્ર (અથવા અન્ય કોઈ પ્રાકૃતિક સૂચક) નો ઉપયોગ કરીને બોટલ નક્કી કરશે :
(1) જે પીણાંનું ટીપું ભૂરા લિટમસપત્રને લાલ બનાવે, તે એસિડિક પીણું હશે.
(2) જે પીણાંનું ટીપું લાલ લિટમસપત્રને ભૂરું બનાવે, તે બેઝિક પીણું હશે.
(3) જે પીણું લાલ કે ભૂરા બંનેમાંથી કોઈ લિટમસપત્ર પર કોઈ અસર ન દર્શાવે, તે તટસ્થ પીણું હશે.
આ રીતે પરીક્ષણ કરી દોરજી યોગ્ય ગ્રાહકને સંબંધિત પીણું પીરસી શકશે.

8. સમજાવો : આવું કેમ થાય છે ?

(a) જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ.
જવાબ : આપણા જઠરમાં ખોરાકના પાચન માટે હાઈડ્રોક્લોરિક એસિડ હોય છે. પરંતુ જ્યારે વધુ પડતો એસિડ ભેગો થાય ત્યારે એસિડિટી થાય છે. એન્ટાસિડ (જેમ કે મિલ્ક ઓફ મેગ્નેશિયા) બેઝિક પ્રકૃતિ ધરાવે છે, જે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરી રાહત આપે છે.

(b) જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર કેલેમાઈનનું દ્રાવણ લગાવીએ છીએ.
જવાબ : કીડી કરડે ત્યારે ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રવ્ય દાખલ કરે છે. કેલેમાઈનનું દ્રાવણ ઝિંક કાર્બોનેટ ધરાવે છે જે બેઝિક પ્રકૃતિ ધરાવે છે. તે એસિડની અસરનું તટસ્થીકરણ કરે છે અને બળતરા શાંત કરે છે.

(c) કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલા તટસ્થ કરવામાં આવે છે.
જવાબ : કારખાનામાંથી નીકળતા કચરામાં મોટાભાગે એસિડિક પદાર્થો હોય છે. જો તેને સીધો પાણીમાં વહેવડાવી દેવામાં આવે તો તે પાણીના જીવો (માછલી વગેરે) ને ભારે નુકસાન પહોંચાડે છે અને મારી નાખે છે. આથી જળાશયોમાં છોડતા પહેલાં તેમાં બેઝિક પદાર્થો ઉમેરી તેને તટસ્થ કરવામાં આવે છે.

9. તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે. તમને હાઈડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઈડ્રોક્સાઈડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવેલા છે, તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો ?

જવાબ :
(1) ત્રણેય પ્રવાહીના થોડા ટીપાં હળદરપત્ર પર મૂકો. જે પ્રવાહી હળદરપત્રને લાલ બનાવે તે સોડિયમ હાઈડ્રોક્સાઈડ (બેઈઝ) છે.
(2) હવે આ લાલ થયેલા હળદરપત્ર પર બાકીના બંને પ્રવાહી વારાફરતી ઉમેરો. જે પ્રવાહી ઉમેરવાથી લાલ રંગ ફરીથી પીળો થઈ જાય (તટસ્થીકરણ થવાને લીધે), તે પ્રવાહી હાઈડ્રોક્લોરિક એસિડ છે.
(3) બાકી રહેલું ત્રીજું પ્રવાહી કે જેની કોઈ અસર જોવા મળતી નથી તે ખાંડનું દ્રાવણ (તટસ્થ) છે.

10. ભૂરા લિટમસપત્રને દ્રાવણમાં ડૂબાડતાં તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે ? સમજાવો.

જવાબ : આપેલ દ્રાવણ બેઝિક અથવા તટસ્થ હોઈ શકે છે. કારણ કે બેઝિક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે પરંતુ ભૂરા લિટમસ પર કોઈ અસર કરતું નથી, અને તટસ્થ દ્રાવણ પણ ભૂરા લિટમસપત્ર પર કોઈ રંગપરિવર્તન દર્શાવતું નથી.

11. નીચેનાં વિધાનોને ધ્યાનથી વાંચો :
(a) એસિડ તથા બેઈઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે.
(b) જો કોઈ સૂચક, એસિડ માટે રંગપરિવર્તન દર્શાવે તો તે બેઈઝ માટે રંગપરિવર્તન દર્શાવતું નથી.
(c) જો કોઈ સૂચક, બેઈઝ માટે રંગપરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે રંગપરિવર્તન દર્શાવતું નથી.
(d) એસિડ તથા બેઈઝનું રંગપરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે.
ઉપરોક્ત વિધાનોમાંથી ક્યાં વિધાનો સત્ય છે ?
(i) ચારેય (ii) (a) અને (d) (iii) (b), (c) અને (d) (iv) માત્ર (d)

જવાબ : (iv) માત્ર (d)

✦ વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃત્તિઓ અને પ્રૉજેક્ટ (Activities & Projects) ✦

1. એસિડ તથા બેઈઝના ઉપયોગની જાણકારી પરથી બેકિંગ સોડા તથા બીટ-મૂળ વડે છૂપો સંદેશો લખો અને સમજાવો કે તે કેવી રીતે કામ કરે છે.

જવાબ : બેકિંગ સોડાને પાણીમાં ઓગાળી દ્રાવણ તૈયાર કરો. કોટન-બડની મદદથી સફેદ કાગળ પર સંદેશો લખો. કાગળ સુકાઈ જતાં લખાણ અદ્રશ્ય થઈ જશે. હવે તાજા બીટનો ટુકડો કાપી તેને લખાણ વાળા કાગળ પર હળવેથી ઘસતાં લખાણ ઘેરા લાલ/ગુલાબી રંગમાં સ્પષ્ટ દેખાવા લાગશે. કારણ કે બેકિંગ સોડા બેઈઝ છે અને બીટનો રસ કુદરતી સૂચક તરીકે કાર્ય કરી બેઈઝના સંપર્કમાં રંગ બદલે છે.

2. લાલ કોબીજના ટુકડાને ગરમ પાણીમાં નાખીને તેનો રસ તૈયાર કરો. આ સૂચક વડે એસિડિક તથા બેઝિક દ્રાવણનું પરીક્ષણ કરો. તમારા અવલોકનોને કોષ્ટક સ્વરૂપે નોંધો.

જવાબ : લાલ કોબીજનો રસ જાંબુડિયા રંગનો હોય છે. તે એસિડિક દ્રાવણમાં લાલ/ગુલાબી રંગ ધારણ કરે છે અને બેઝિક દ્રાવણમાં લીલો કે પીળો રંગ ધારણ કરે છે.

ક્રમ કસોટી માટેનું દ્રાવણ લાલ કોબીજના રસ પર અસર પ્રકૃતિ
1. લીંબુનો રસ લાલ / ગુલાબી એસિડિક
2. વિનેગર લાલ / ગુલાબી એસિડિક
3. ખાવાના સોડાનું દ્રાવણ લીલો બેઝિક
4. સાબુનું દ્રાવણ લીલો બેઝિક
5. મીઠાનું દ્રાવણ કોઈ ફેરફાર નહીં (જાંબુડિયો) તટસ્થ

3. તમારા વિસ્તારમાંથી માટીનો નમૂનો લો અને શોધી કાઢો કે તે એસિડિક, બેઝિક કે તટસ્થ છે. હવે ખેડૂત સાથે તેના ઉપચારની ચર્ચા કરો.

જવાબ : માટીનો નમૂનો લઈ તેને પાણીમાં હલાવીને ગાળી લો. મળેલા દ્રાવણનું લિટમસપત્ર વડે પરીક્ષણ કરો. જો ભૂરા લિટમસને લાલ બનાવે તો માટી એસિડિક છે, અને જો લાલ લિટમસને ભૂરું બનાવે તો બેઝિક છે.
ખેડૂત સાથે ચર્ચા કરતાં ઉપચાર : જો જમીન એસિડિક હોય તો તેમાં કળીચૂનો (ક્વિક લાઈમ) કે ભીંજવેલો ચૂનો ઉમેરી તટસ્થ કરાય છે. જો જમીન વધુ બેઝિક હોય તો તેમાં સેન્દ્રિય ખાતર (કમ્પોસ્ટ) ઉમેરવામાં આવે છે જેથી સારો પાક લઈ શકાય.

4. ડૉક્ટરની મુલાકાત લો. તેઓ એસિડિટી માટે જે દવાની ભલામણ કરે છે તે જાણો અને તેમની સાથે ચર્ચા કરો કે, એસિડિટીને કેવી રીતે રોકી શકાય.

જવાબ : ડૉક્ટર એસિડિટી માટે એન્ટાસિડ (જેવા કે મિલ્ક ઓફ મેગ્નેશિયા, ડાયજીન, જેલુસીલ વગેરે) ની ભલામણ કરે છે જે વધારાના એસિડને તટસ્થ કરે છે.
એસિડિટી રોકવાના ઉપાયો :
(1) વધુ પડતો તળેલો અને તીખો ખોરાક ન ખાવો.
(2) નિયમિત સમયે ભોજન લેવું અને ભૂખ્યા ન રહેવું.
(3) જમ્યા પછી તરત સૂઈ ન જવું.
(4) પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને માનસિક તણાવથી દૂર રહેવું.


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

أحدث أقدم