GSEB Std 7 Social Science Chapter 17 Jatigat Bhinnata Swadhyay Solution: અહીં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 17 "જાતિગત ભિન્નતા" (Jatigat Bhinnata) ના પાઠ્યપુસ્તકના મૂળ સ્વાધ્યાય અનુસાર ખાલી જગ્યાઓ, ટૂંકમાં ઉત્તરો, એક-બે વાક્યોમાં ઉત્તર, ટૂંક નોંધ, પ્રવૃત્તિ તેમજ પાઠના અગત્યના મુદ્દાઓ (Key Notes) સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.
✦ અગત્યના મુદ્દાઓ (Std 7 Social Science Ch 17 IMP Notes) ✦
- જાતિગત ભિન્નતા (Gender Discrimination) : આપણા દેશમાં છોકરા અને છોકરીના ઉછેરમાં ક્યાંક ને ક્યાંક અસમાનતા અને ભેદભાવ જોવા મળે છે.
- રૂઢિગત માન્યતા : ભારતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કન્યા કેળવણી પ્રત્યે ઉદાસીનતા, ઘરકામ અને બાળઉછેરમાં ભેદભાવ જેવી રૂઢિગત માન્યતાઓ આજે પણ ક્યાંક જોવા મળે છે.
- વસ્તીગણતરી ૨૦૧૧ : ઈ.સ. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ભારતમાં દર ૧૦૦૦ પુરુષો સામે સ્ત્રીઓનું પ્રમાણ ૯૪૩ હતું, જ્યારે ગુજરાતમાં આ પ્રમાણ ૯૧૯ હતું.
- નારી સશક્તિકરણ (Women Empowerment) : મહિલાઓને આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય રીતે સક્ષમ બનાવવા માટે નારી સશક્તિકરણ અત્યંત અનિવાર્ય છે.
- સરકારના પ્રયાસો : કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશ મહોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, વિનામૂલ્યે શિક્ષણ, શિષ્યવૃત્તિ અને સાઇકલ સહાય જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ : પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦ % અનામત બેઠકો રાખવામાં આવી છે, જેથી તેમની રાજકીય ભાગીદારી વધે.
- વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ : આજે મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ, પોલીસ, રમતગમત, અવકાશ વિજ્ઞાન અને રાજકારણ જેવા તમામ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રદાન કરી રહી છે.
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Social Science Chapter 17 Swadhyay Solution) ✦
1. ખાલી જગ્યા પૂરો :
(1) જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ………માં જોવા મળે છે.
જવાબ : ગામડાં (ગામડાઓમાં)
(2) ઈ.સ. 2011માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ……… હતું.
જવાબ : 943
2. ટૂંકમાં ઉત્તર આપો :
(1) બાળઉછેર અંગે કઈ-કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે ?
જવાબ - 1 : બાળઉછેર અંગે મુખ્યત્વે ખોરાક અને પોષણ, કપડાંની પસંદગી, રમકડાંની વહેંચણી, અભ્યાસ અને ઉચ્ચ શિક્ષણની તકો, હરવા-ફરવા પરનાં નિયંત્રણો તેમજ વાણી-વિચારની અભિવ્યક્તિમાં છોકરા અને છોકરી વચ્ચે ભેદભાવ જોવા મળે છે.
(2) ઘરકામમાં કઈ-કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે ?
જવાબ - 2 : રસોઈ બનાવવી, વાસણ-કપડાં ધોવાં, ઘરની સાફસફાઈ કરવી અને નાના ભાઈ-બહેનોને સંભાળવા જેવાં કાર્યો મુખ્યત્વે છોકરીઓને જ સોંપવામાં આવે છે; જ્યારે બહારની ખરીદી કે વ્યવહારિક કામો છોકરાઓ પાસે કરાવવામાં આવે છે.
(3) રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે ?
જવાબ - 3 : રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે, કારણ કે ઘણી જગ્યાએ પ્રાથમિક શિક્ષણ પછી છોકરીઓને શાળામાંથી ઉઠાડી લેવામાં આવતી હોય છે.
3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) મહિલા સશક્તીકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે ?
જવાબ - 1 : સરકાર કન્યાઓ માટે મફત શિક્ષણ, શિષ્યવૃત્તિઓ, સાઇકલ સહાય, કન્યા કેળવણી રથયાત્રા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ % અનામત બેઠકો આપી મહિલા સશક્તીકરણ માટે પ્રયત્નો કરે છે.
(2) ક્યાં-ક્યાં કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે ?
જવાબ - 2 : લશ્કર (સૈન્યનાં મોરચાનાં કામો), પોલીસ દળ, ખાણકામ, ભારે વાહન ચલાવવા અને ઉદ્યોગોમાં જોખમી મશીનરી સંચાલન જેવાં કામોમાં મહિલાઓ આજે પણ પ્રમાણમાં ઓછી જોવા મળે છે.
(3) આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી ?
જવાબ - 3 : આઝાદીની લડતમાં મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ મહિલાઓએ સભા-સરઘસો, પ્રભાતફેરીઓ, મીઠાના સત્યાગ્રહ, વિદેશી કાપડ તથા દારૂની દુકાનો પર પિકેટિંગ જેવા કાર્યક્રમોમાં સક્રિય રીતે જોડાઈ મહત્વનું યોગદાન આપ્યું હતું.
4. ટૂંક નોંધ લખો :
(1) નારી સશક્તીકરણ
જવાબ - 1 : નારી સશક્તીકરણ એટલે સ્ત્રીઓને પોતાના જીવનના નિર્ણયો જાતે લેવા, શિક્ષણ મેળવવા તેમજ સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે સક્ષમ બનાવવી. ભારત જેવા વિકાસશીલ દેશમાં સ્ત્રીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે શિક્ષણ અને આર્થિક સ્વાવલંબન અનિવાર્ય છે. સરકારે મહિલાઓને સ્વનિર્ભર બનાવવા સ્વસહાય જૂથો (સખી મંડળો), કૌશલ્ય વર્ધન તાલીમ અને સબસિડીવાળી લોનની સુવિધાઓ આપી છે. મહિલાઓ સશક્ત બનશે તો જ સમાજ અને રાષ્ટ્રનો સાચો વિકાસ શક્ય બનશે.
(2) ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા
જવાબ - 2 : ભારતમાં પ્રાચીન સમયથી સ્ત્રી શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા અને રૂઢિગત માન્યતાઓ પ્રવર્તતી હતી. સમાજમાં એવું માનવામાં આવતું કે છોકરીઓએ માત્ર ઘરકામ અને રસોઈ જ સંભાળવાની હોય છે, તેથી તેમને ઉચ્ચ શિક્ષણ આપવું જરૂરી નથી. પરિણામે કન્યાઓમાં નિરક્ષરતા અને ડ્રોપઆઉટ રેટ ઊંચો રહેતો હતો. જોકે આઝાદી પછી સરકારી પ્રયાસો, કાયદાઓ અને જાગૃતિ અભિયાનોને કારણે લોકોની વિચારસરણીમાં મોટો બદલાવ આવ્યો છે અને આજે કન્યાઓ ઉચ્ચ શિક્ષણ તેમજ વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધી રહી છે.
✦ પ્રવૃત્તિ (Activities) ✦
• તમારા ગામમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ કેટલું છે તે ગામમાં જન્મ-મરણ રજિસ્ટ્રરના આધારે શોધો.
જવાબ : ગ્રામપંચાયત કચેરીની મુલાકાત લઈ તલાટી કમ મંત્રી પાસેથી જન્મ-મરણ રજિસ્ટરનું અવલોકન કરવું. છેલ્લા એક વર્ષમાં નોંધાયેલા પુરુષ અને સ્ત્રીના જન્મ તથા વસ્તીની આંકડાકીય માહિતી એકત્ર કરી ગામમાં દર ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ શોધી તેની નોંધ કરવી.
إرسال تعليق