ધોરણ-7 [સામાજિક વિજ્ઞાન] 7. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો | std-7 [social science] 7. Bhaktiyug : Dharmik Samudayo ane Vicharako

GSEB Std 7 Social Science Chapter 7 Bhaktiyug : Dharmik Samudayo ane Vicharako Swadhyay Solution: અહીં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 7 "ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો" ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, પાઠના મુખ્ય મુદ્દાઓ (IMP Notes), ભક્તિ અને સૂફી આંદોલન, દક્ષિણ અને ઉત્તર ભારતના સંતો, મહારાષ્ટ્રના સંતો, સૂફી પરંપરાઓ અને તેની સામાજિક અસરો તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.

std-7-social-science-7-bhaktiyug-dharmik-samudayo-ane-vicharako-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ (Std 7 Social Science Ch 7 IMP Notes) ✦

  • ભક્તિ અને સૂફી આંદોલનનો હેતુ : મધ્યકાલીન ભારતમાં થયેલ ભક્તિ અને સૂફી આંદોલનનો મુખ્ય હેતુ કોઈ રાજકીય લાભ મેળવવાનો ન હતો, પરંતુ અજ્ઞાન, અંધશ્રદ્ધા, વહેમો અને કુરિવાજોથી પીડિત લોકોને સાદો અને સરળ ભક્તિમાર્ગ બતાવવાનો હતો. આ આંદોલને હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો.
  • દક્ષિણ ભારતમાં પ્રણેતાઓ : દક્ષિણ ભારતમાં આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે ધાર્મિક સુધારણાની શરૂઆત કરી. તેમના પછી આશરે 250 વર્ષ બાદ રામાનુજાચાર્યે ભક્તિ અંગે પ્રેરણા આપી. દક્ષિણ ભારતમાં અલવાર સંતો (વૈષ્ણવ) અને નયનાર સંતો (શૈવ) એકેશ્વરવાદમાં માનતા હતા અને તેમણે મૂર્તિપૂજા તેમજ ક્રિયાકાંડનો વિરોધ કર્યો હતો.
  • ઉત્તર ભારતના મુખ્ય સંતો :
    ચૈતન્ય મહાપ્રભુ : બંગાળમાં શ્રીકૃષ્ણ ભક્તિનાં ગીતો રચીને 'હરિબોલ'નો મંત્ર ગુંજતો કર્યો હતો.
    સંત કબીર : એકેશ્વર પરંપરાના સૌથી મહત્વના નિર્ગુણ સંત હતા. તેઓ વ્યવસાયે વણકર હતા અને તેમનો કવિતાસંગ્રહ 'બીજક' છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા.
    ગુરુ નાનક : શીખ ધર્મના સ્થાપક અને નિર્ગુણ શાખાના સંત હતા. તેમનો પવિત્ર ધર્મગ્રંથ 'ગુરુ ગ્રંથસાહિબ' છે.
    તુલસીદાસ : તેમણે અવધી ભાષામાં લોકપ્રિય મહાકાવ્ય 'રામચરિતમાનસ' અને 'વિનયપત્રિકા'ની રચના કરી હતી.
    નરસિંહ મહેતા : ગુજરાતી ભાષાના આદિકવિ છે. તેમણે 'વૈષ્ણવજન તો તેને કહીએ' જેવાં ભજનો અને પ્રભાતિયાં રચ્યાં હતાં.
    મીરાંબાઈ : રાજપૂત રાજકુમારી અને કૃષ્ણભક્ત કવયિત્રી હતાં, જેમણે ગુજરાતી અને હિંદી ભાષામાં પદો રચ્યાં હતાં.
  • મહારાષ્ટ્રમાં ભક્તિ-આંદોલન : મહારાષ્ટ્રમાં પંઢરપુરનું વિઠોબા મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું.
    • સંત જ્ઞાનેશ્વરે માત્ર 15 વર્ષની વયે ભગવદ્ગીતા પર ટીકા 'જ્ઞાનેશ્વરી' લખી હતી.
    • નામદેવ અને એકનાથે ઊંચનીચના ભેદભાવનો વિરોધ કર્યો હતો.
    • સંત તુકારામના 'અભંગો' વિશ્વપ્રસિદ્ધ છે.
    • સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા અને તેમણે 'દાસબોધ' નામના ગ્રંથની રચના કરી હતી.
  • સૂફી-આંદોલન અને પરંપરાઓ : સૂફી મત ઇસ્લામનો રહસ્યવાદી વિચાર છે જે ઈશ્વર અને માણસ વચ્ચે પ્રેમના સંબંધ પર આધારિત છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી : (1) ચિશ્તી (2) સુહરાવર્દી (3) કાદરી અને (4) નક્શબંદી.
    • અજમેરમાં મોઈનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે સર્વધર્મ સમભાવ અને કોમી એકતાનું પ્રતીક છે.
    • સુહરાવર્દી પરંપરાની સ્થાપના શિયાબુદ્દીન સુહરાવર્દીએ કરી હતી.
  • સામાજિક અસરો : સંતો અને સૂફીઓએ લોકભાષામાં ઉપદેશ આપતાં સામાન્ય માણસ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યો. નાતજાતના ભેદભાવો અને અંધશ્રદ્ધા ઘટ્યાં તથા સદાચાર, ભાઈચારો અને સમાનતાની ભાવના દ્રઢ બની.

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Social Science Chapter 7 Swadhyay Solution) ✦

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો :

(1) દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું ?
જવાબ - 1 : દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ આઠમી સદીમાં આદિ શંકરાચાર્ય અને ત્યારબાદ રામાનુજાચાર્ય તથા અલવાર અને નયનાર સંતોએ લીધું હતું.

(2) બંગાળમાં ‘હરિબોલ’નો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો ?
જવાબ - 2 : બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણભક્તિનાં ગીતો રચીને ‘હરિબોલ’નો મંત્ર ગુંજતો કર્યો હતો.

(3) તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી ?
જવાબ - 3 : તુલસીદાસે ‘રામચરિતમાનસ’ અને ‘વિનયપત્રિકા’ નામના પ્રસિદ્ધ ગ્રંથોની રચના કરી હતી.

(4) ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફીસંત કોણ હતા ?
જવાબ - 4 : ભારતમાં સૂફી મત ફેલાવનાર અગ્રગણ્ય સૂફીસંત અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી હતા.

2. માંગ્યા મુજબ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) ટૂંક નોંધ લખો : સૂફી-આંદોલન
જવાબ - 1 : મધ્યકાળમાં ભારતમાં થયેલાં ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો મહત્વનો ફાળો છે. સૂફી મત એ ઇસ્લામની ધાર્મિક વિચારધારા વ્યક્ત કરે છે, જેનો મુખ્ય સિદ્ધાંત ઈશ્વર અને માણસ વચ્ચે પ્રેમના સંબંધની સ્થાપના કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી : (1) ચિશ્તી (2) સુહરાવર્દી (3) કાદરી અને (4) નક્શબંદી. જેમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા સૌથી વધુ લોકપ્રિય બની હતી. અજમેરમાં મોઈનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરા સ્થાપી હતી, જે કોમી એકતાનું અજોડ પ્રતીક છે. આ ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકી, બાબા ફરીદ અને નિઝામુદ્દીન ઓલિયા જેવા મહાન સંતો થયા. સૂફી સંતોએ હિંદુ-મુસ્લિમ સમન્વય સાધી સમાજમાંથી કુરિવાજો અને ધાર્મિક કટ્ટરતા દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

(2) ભક્તિ-આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય થયું હતું ?
જવાબ - 2 : ભક્તિ-આંદોલન લોકોમાં લોકપ્રિય થવાના મુખ્ય કારણો નીચે મુજબ હતા :
(1) સંતોએ સામાન્ય લોકો સમજી શકે તેવી સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો અને લોકભાષામાં જ સાહિત્ય તથા પદો રચ્યાં.
(2) તેમણે ધર્મના જટિલ ક્રિયાકાંડો, બાહ્ય આડંબરો, વહેમો અને અંધશ્રદ્ધાનો સખત વિરોધ કરી ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ અને ભક્તિનો સાદો માર્ગ દર્શાવ્યો.
(3) સંતોએ ઊંચનીચના અને નાતજાતના ભેદભાવો ભૂલીને સમાજના તમામ વર્ગો માટે ભક્તિના દ્વાર ખોલી નાખ્યા.
(4) સંતોએ જે ઉપદેશ આપ્યો તે પોતાના જીવનમાં આચરીને બતાવ્યો, જેથી લોકો પર તેનો ઊંડો પ્રભાવ પડ્યો.

(3) મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો.
જવાબ - 3 : મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર પંઢરપુરનું વિઠોબા મંદિર હતું :
સંત જ્ઞાનેશ્વર : તેમણે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. તેમણે માત્ર 15 વર્ષની નાની વયે ભગવદ્ગીતા પર પ્રસિદ્ધ ટીકા 'જ્ઞાનેશ્વરી' લખી હતી.
સંત નામદેવ : તેઓ યુવાનીમાં અધર્મના માર્ગે હતા પરંતુ સત્ય સમજાતાં ભક્તિના માર્ગે વળી મહારાષ્ટ્રના મહાન સંત બન્યા.
સંત એકનાથ : તેમણે જાતિભેદ અને ઊંચનીચના ભેદભાવનો વિરોધ કરી સૌને સમાન ગણ્યા.
સંત તુકારામ : તેઓ મહારાષ્ટ્રના લોકપ્રિય સંતકવિ હતા, તેમના રચેલા 'અભંગો' ખૂબ જ પ્રખ્યાત છે.
સમર્થ રામદાસ : તેઓ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા. તેમણે સાંસારિક અને આધ્યાત્મિક જીવનને જોડવા 'દાસબોધ' નામના ગ્રંથની રચના કરી હતી.

(4) એકેશ્વર પરંપરામાં સૌથી મહત્ત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો.
જવાબ - 4 : સંત કબીર એકેશ્વરવાદી ભક્તિ પરંપરાના સૌથી પ્રભાવશાળી અને ક્રાંતિકારી સંત હતા. તેઓ વ્યવસાયે વણકર હતા. તેઓ ગૃહસ્થી હોવા છતાં નિર્ગુણ ભક્તિ શાખાના સંત હતા. તેઓ માનતા હતા કે રામ અને રહીમ, ઈશ્વર અને અલ્લાહ એક જ છે. તેમણે સાદી બોલચાલની ભાષામાં દોહાઓ અને સાખીઓની રચના કરી હતી. 'બીજક' તેમનો મુખ્ય કાવ્યસંગ્રહ છે. તેમણે સમાજમાં પ્રવર્તતા મૂર્તિપૂજા, તીર્થયાત્રા, બાહ્ય આડંબરો અને ભેદભાવોનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમના શિષ્યોમાં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં હતા.

3. (અ) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો :

(1) ગુરુનાનક કઈ શાખાના સંત હતા ?
(A) અલવાર (B) નયનાર (C) નિર્ગુણ (D) એકેશ્વર

જવાબ : (C) નિર્ગુણ

(2) જ્ઞાનેશ્વરે ભગવદ્ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે ?
(A) બીજક (B) જ્ઞાનેશ્વરી (C) રામચરિતમાનસ (D) વિનયપત્રિકા

જવાબ : (B) જ્ઞાનેશ્વરી

(3) મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે ?
(A) જ્ઞાનેશ્વર (B) વિઠોબા (C) નામદેવ (D) તુકારામ

જવાબ : (D) તુકારામ

(4) ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી ?
(A) એક (B) બે (C) ત્રણ (D) ચાર

જવાબ : (D) ચાર

3. (બ) મને ઓળખો :

(1) મારા ગુરુ સમર્થ રામદાસ હતા. ➔ છત્રપતિ શિવાજી મહારાજ
(2) હું મહારાષ્ટ્રમાં ભક્તિ-આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. ➔ પંઢરપુરનું વિઠોબા મંદિર
(3) અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો. ➔ મોઈનુદ્દીન ચિશ્તી


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

أحدث أقدم