ધોરણ-7 [સામાજિક વિજ્ઞાન] 3. મુઘલ સામ્રાજ્ય | std-7 [social-science] 3. mughal samrajya

GSEB Std 7 Social Science Chapter 3 Mughal Samrajya Swadhyay Solution: અહીં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 3 "મુઘલ સામ્રાજ્ય" (Mughal Samrajya) ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, પાઠના મુખ્ય મુદ્દાઓ (IMP Notes), મુઘલ શાસકો (બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ), શેરશાહ સૂરીના સુધારા, મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ, મુઘલ વહીવટીતંત્ર અને મનસબદારી વ્યવસ્થા તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.

std-7-social-science-3-mughal-samrajya-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ (Std 7 Social Science Ch 3 IMP Notes) ✦

  • ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈ.સ. 1526માં બાબરે કરી હતી. તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું.
  • 20મી એપ્રિલ, 1526ના રોજ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું. જેમાં બાબરે તોપનો ઉપયોગ કરી ઇબ્રાહીમ લોદીને હરાવ્યો અને સલ્તનતયુગનો અંત આણી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી.
  • બાબરે તુર્કી ભાષામાં પોતાની આત્મકથા "તુઝુક-એ-બાબરી" (બાબરનામા) લખી હતી, જે વિશ્વસાહિત્યની પ્રસિદ્ધ કૃતિ ગણાય છે.
  • હુમાયુ ઈ.સ. 1530માં ગાદીએ આવ્યો. હુમાયુનો અર્થ 'નસીબદાર' થાય છે, પરંતુ તેને જીવનમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ઈ.સ. 1540માં કનોજના યુદ્ધમાં શેરશાહ સૂરી સામે હારીને તેને ઈરાન ભાગી જવું પડ્યું હતું. ઈ.સ. 1555માં તેણે ભારત પર પુનઃ મુઘલ સત્તા સ્થાપી. પુસ્તકાલયના પગથિયાં પરથી પડી જવાથી તેનું અવસાન થયું.
  • શેરશાહ સૂરી અફઘાન વંશનો શાસક હતો, તેનું મૂળ નામ ફરીદખાં હતું. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. તેણે નવી ટપાલ-વ્યવસ્થા, રૂપિયાનું ચલણ, વિશાળ સેના અને ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.
  • અકબરનો જન્મ ઈ.સ. 1542માં અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની ઉંમરે તે દિલ્લીનો બાદશાહ બન્યો. ઈ.સ. 1556માં પાણીપતના બીજા યુદ્ધમાં અકબરે હેમુને હરાવ્યો હતો.
  • અકબર અને મેવાડના વીર મહારાણા પ્રતાપ વચ્ચે ઐતિહાસિક હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું. મહારાણા પ્રતાપે જીવનના અંત સુધી છાપામાર પદ્ધતિથી મુઘલો સામે લડત ચાલુ રાખી હતી.
  • અકબર બિનસાંપ્રદાયિક અને ઉદાર શાસક હતો. તેણે બધા ધર્મોના ઉત્તમ તત્ત્વો એકઠા કરીને 'દીન-એ-ઈલાહી' સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો અને જજિયાવેરો પણ હટાવ્યો હતો.
  • જહાંગીરના સમયમાં ચિત્રકળાનો ભારે વિકાસ થયો હતો અને તે પોતે પણ ઉત્તમ ચિત્રકાર હતો. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી.
  • શાહજહાંનો સમય મુઘલ સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. તેણે પોતાની પત્ની મુમતાજમહલની યાદમાં વિશ્વપ્રસિદ્ધ તાજમહાલ, આગ્રાની મોતી મસ્જિદ અને દિલ્લીનો લાલકિલ્લો બંધાવ્યો હતો.
  • ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક સહિષ્ણુતાની નીતિનો ત્યાગ કર્યો હતો. તે સંગીતકલા, મૂર્તિપૂજા અને ઉત્સવોનો વિરોધી હતો. ઈ.સ. 1707માં તેનું મૃત્યુ થતાં મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો.
  • છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક હતા. તેમનો જન્મ ઈ.સ. 1627 (કે 1630)માં શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમણે 40થી વધુ કિલ્લા જીતી મહાન મરાઠા રાજ્ય સ્થાપ્યું હતું. ઈ.સ. 1674માં રાજગઢ ખાતે તેમનો રાજ્યાભિષેક થયો હતો. તેમના આઠ મંત્રીઓના મંડળને 'અષ્ટપ્રધાનમંડળ' કહેવાતું.
  • અકબરે મનસબદારી નામની અનોખી મહેસૂલી અને લશ્કરી વ્યવસ્થા અમલમાં મૂકી હતી, જેના સ્થાપક ટોડરમલ હતા. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો રહેતો હતો.

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Social Science Chapter 3 Swadhyay Solution) ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :

(1) પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની-કોની વચ્ચે થયું હતું ?
જવાબ - 1 : પાણીપતનું પ્રથમ યુદ્ધ 20મી એપ્રિલ, 1526ના રોજ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયું હતું.

(2) શેરશાહનાં સ્થાપત્યો વિશે જણાવો.
જવાબ - 2 : શેરશાહે બિહારના સસારામમાં ભવ્ય મકબરો અને દિલ્લીમાં મસ્જિદ બંધાવી હતી તેમજ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

(3) અકબરના સમયના મહાન સંગીતજ્ઞ–ગાયકનું નામ આપો.
જવાબ - 3 : અકબરના સમયના મહાન સંગીતજ્ઞ–ગાયક તાનસેન હતા, જે અકબરના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.

(4) જહાંગીરના ચિત્રકારોનાં નામ જણાવો.
જવાબ - 4 : જહાંગીરના સમયમાં મનસૂર નામનો વિશ્વવિખ્યાત ચિત્રકાર અને આકારિઝા નામનો પ્રમુખ ચિત્રકાર થઈ ગયા.

(5) છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?
જવાબ - 5 : છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ઈ.સ. 1627 (કે 1630)માં મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં થયો હતો.

2. માંગ્યા મુજબ ઉત્તર લખો :

(1) મુઘલ વહીવટીતંત્રની રૂપરેખા આપો.
જવાબ - 1 : મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબરે કરી હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ પોતે રહેતા, જે સર્વોચ્ચ સેનાપતિ અને મુખ્ય ન્યાયાધીશ હતા. બાદશાહને સલાહ આપવા એક મંત્રીપરિષદ હતી. નાણાં અને મહેસૂલી વ્યવસ્થાના વડાને વજીર (દીવાન-એ-વઝીરે-કુલ) કહેવાતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સૈનિકોની ભરતી કરતો અને ગુપ્તચરોની દેખરેખ રાખતો. ગુપ્તચરો 'વાકિયાનવીસ' તરીકે ઓળખાતા. સરકારી કારખાનાઓ અને સમ્રાટની અંગત જરૂરિયાતો માટે 'મીર-એ-સામાન' વિભાગ હતો. ન્યાયતંત્રના સર્વોચ્ચ વડા કાઝી હતા.

(2) મુઘલ સ્થાપત્યકલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો.
જવાબ - 2 : મુઘલયુગ દરમિયાન ભારતીય અને ઇસ્લામિક સ્થાપત્યકલાનો અનોખો સમન્વય જોવા મળ્યો :
• બાબર : બાબરે આગ્રા અને લાહોરમાં સુંદર બગીચાઓ બનાવડાવ્યા.
• અકબર : અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિક્રીમાં વિશ્વપ્રસિદ્ધ બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, પંચમહલ અને જામા મસ્જિદનું નિર્માણ કરાવ્યું.
• જહાંગીર : જહાંગીરના સમયમાં બાંધકામોમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો.
• શાહજહાં : શાહજહાંનો સમય મુઘલ સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. તેણે આગ્રામાં પત્નીની યાદમાં વિશ્વની અજાયબી સમાન તાજમહાલ અને મોતી મસ્જિદ તથા દિલ્લીમાં લાલકિલ્લો, દીવાન-એ-આમ અને દીવાન-એ-ખાસ બંધાવ્યા.
• ઔરંગઝેબ : ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહાલ જેવો જ રાબિયા-ઉદ-દૌરાનનો મકબરો બનાવ્યો હતો.

(3) છત્રપતિ શિવાજીનાં વિજયો વિશે નોંધ લખો.
જવાબ - 3 : છત્રપતિ શિવાજી મહારાજે નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે છાપામાર (ગેરીલા) યુદ્ધપદ્ધતિ અપનાવી હતી. તેમણે તોરણા, ચાકણ, સિંહગઢ, પુરંદર જેવા 40થી પણ વધારે મહત્વપૂર્ણ કિલ્લાઓ જીતી લીધા હતા. તેમણે મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સામે વર્ષો સુધી સંઘર્ષ કરીને વિજયો મેળવ્યા. ઈ.સ. 1665માં મુઘલો સાથે થયેલી સંધિ બાદ ઔરંગઝેબે તેમને આગ્રામાં કેદ કર્યા હતા, પરંતુ તેઓ પોતાની અપ્રતિમ ચતુરાઈથી છટકી ગયા અને ફરી મોરચો માંડી વિજયયાત્રા શરૂ કરી. ઈ.સ. 1674માં રાજગઢ ખાતે તેમનો ભવ્ય રાજ્યાભિષેક થયો હતો.

(4) અકબરની ધાર્મિકનીતિની ચર્ચા કરો.
જવાબ - 4 : અકબર એક ઉદાર અને બિનસાંપ્રદાયિક શાસક હતો. તેણે હિંદુઓ પ્રત્યે અત્યંત ઉદાર નીતિ અપનાવીને રાજપૂતો સાથે સામાજિક અને વૈવાહિક સંબંધો બાંધ્યા તથા તેમને સેનામાં ઉચ્ચ હોદ્દાઓ આપ્યા. તેણે બિન-મુસ્લિમો પરથી જજિયાવેરો અને યાત્રાવેરો નાબૂદ કર્યો હતો. બળજબરીપૂર્વકના ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો. અકબરે બધા ધર્મોના સત્ય તત્વોને એકત્ર કરી 'દીન-એ-ઈલાહી' નામના સાર્વત્રિક સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઈબલ જેવા પવિત્ર ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો.

(5) શેરશાહના સુધારાની ચર્ચા કરો.
જવાબ - 5 : શેરશાહ સૂરી એક કુશળ વહીવટકર્તા અને પ્રજાકલ્યાણકારી સુધારક શાસક હતો :
(1) તેણે રાજ્યમાંથી લૂંટારાઓ અને ડાકુઓનો ત્રાસ દૂર કરી સંપૂર્ણ શાંતિ અને સલામતી સ્થાપી હતી.
(2) તેણે નવી અને સુવ્યવસ્થિત ટપાલ-વ્યવસ્થા શરૂ કરી હતી.
(3) વેપારીઓ અને યાત્રાળુઓ માટે રાજ્યભરમાં ધર્મશાળાઓ બંધાવી હતી.
(4) તેણે ચાંદીના સિક્કા સ્વરૂપે નવા 'રૂપિયા'નું ચલણ શરૂ કરાવ્યું હતું.
(5) તેણે બંગાળથી ઉત્તર ભારત સુધી વિસ્તરેલા ઐતિહાસિક રાજમાર્ગ 'ગ્રાન્ડ ટ્રંક રોડ'નું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો :

(1) પાણીપતનું બીજું યુદ્ધ ...... અને ...... વચ્ચે થયું હતું.
(A) અકબર-શિવાજી (B) અકબર-હેમુ (C) બાબર-ઈબ્રાહીમ લોદી (D) મુઘલ-મરાઠા

જવાબ : (B) અકબર-હેમુ

(2) બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો ?
(A) અકબર (B) જહાંગીર (C) શાહજહાં (D) ઔરંગઝેબ

જવાબ : (A) અકબર

(3) દિલ્લીનો લાલકિલ્લો ......એ બનાવડાવ્યો હતો.
(A) બાબર (B) અકબર (C) હુમાયુ (D) શાહજહાં

જવાબ : (D) શાહજહાં

(4) અકબરનો જન્મ ...... નામના સ્થળે થયો હતો.
(A) અમરકોટ (B) ઈરાન (C) દિલ્લી (D) જયપુર

જવાબ : (A) અમરકોટ


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

Previous Post Next Post