GSEB Std 8 Social Science Chapter 2 Swadhyay Solution: અહીં ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 2 "ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857)" (Bharatma British Shasan) ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, પાઠના મુખ્ય મુદ્દાઓ (IMP Notes), એકમની સરળ સમજૂતી તેમજ પ્રશ્નોત્તરી સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.
✦ અગત્યના મુદ્દાઓ (Std 8 Social Science Ch 2 IMP Notes) ✦
- 12 ઑગસ્ટ, 1765માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ શાહઆલમ બીજાએ બંગાળની દીવાની સત્તા આપી અને ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ.
- ઈ.સ. 1772માં બંગાળમાં મહેસૂલ ઉઘરાવવા 'ફાર્મિંગ પદ્ધતિ' દાખલ કરવામાં આવી, જેમાં ઈજારદારો સાથે કરાર થતા.
- કાયમી જમાબંધી : ગવર્નર જનરલ કોર્નવૉલિસે ઈ.સ. 1793માં કાયમી જમાબંધી દાખલ કરી. જેમાં જમીનદારને જમીનના હક મળ્યા. જમીન મહેસૂલના 9 ભાગ સરકારમાં જમા કરાવવાના અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. આનાથી ખેડૂતોનું ભારે શોષણ થયું.
- રૈયતવારી પદ્ધતિ : ઈ.સ. 1820માં મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં થૉમસ મુનરોએ રૈયતવારી પદ્ધતિ લાગુ કરી. જેમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો.
- મહાલવારી પદ્ધતિ : ઈ.સ. 1822માં હોલ્ટ મેકેન્ઝી દ્વારા ઉત્તર-પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતમાં મહાલવારી પદ્ધતિ દાખલ કરાઈ. જેમાં મહેસૂલનું એકમ સમગ્ર ગ્રામ કે ગ્રામનો સમૂહ (મહાલ) હતું અને વસૂલાતની જવાબદારી ગામના મુખીને સોંપાતી.
- અંગ્રેજોએ ભારતમાં કાચું રેશમ, ગળી, કપાસ, અફીણ અને મરી જેવા વેપારી (રોકડિયા) પાકોનું પોતાની મરજી મુજબ બળજબરીથી વેપારીકરણ કર્યું.
- ભારતમાં ગળીના ઉત્પાદનની બે મુખ્ય પ્રથાઓ હતી : (1) નિજ પ્રથા અને (2) રૈયતી પ્રથા. ગળીના અન્યાયી વાવેતર અને શોષણ સામે ઈ.સ. 1859-60માં બંગાળમાં વ્યાપક રમખાણો થયાં.
- જનજાતિઓમાં સંથાલો, મુંડાઓ, ખોંડ, કોલ, ગોંડ, ભીલ, વનગુજ્જર, લબાડિયા, ગદી અને બકરવાલ જેવા સમુદાયો હતા. તેઓ સ્થળાંતરીય કે સ્થાયી ખેતી તેમજ પશુપાલન અને વન્યપેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા.
- બિરસા મુંડા : તેમનો જન્મ 15 નવેમ્બર, 1875ના રોજ થયો હતો. તેમણે ઈ.સ. 1895માં અંગ્રેજો, જમીનદારો અને શાહુકારો (દીકુઓ) ના શોષણ વિરુદ્ધ છોટાનાગપુરમાં ઐતિહાસિક 'ઉલગુલાન આંદોલન'નું નેતૃત્વ લીધું અને બિરસારાજની સ્થાપના માટે સંઘર્ષ કર્યો.
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 8 Social Science Chapter 2 Swadhyay Solution) ✦
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :
(1) મીરજાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો ?
જવાબ : મીરજાફરને હટાવીને અંગ્રેજોએ મીરકાસીમને બંગાળનો નવાબ બનાવ્યો.
(2) ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી ?
જવાબ : ભારતમાં ગવર્નર જનરલ કોર્નવૉલિસના સમયમાં (ઈ.સ. 1793માં) કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી.
(3) કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ?
જવાબ : બક્સરના યુદ્ધના (ઈ.સ. 1764) વિજયથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મહેસૂલ ઉઘરાવવાની (દીવાની) સત્તા મળી.
(4) રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા ?
જવાબ : રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થૉમસ મુનરો હતા.
પ્રશ્ન 2. (અ) ટૂંક નોંધ લખો :
(1) બિરસા મુંડા
જવાબ : બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર, 1875માં થયો હતો. તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુન્ડાઈના હતું. તેમનું બચપણ ઘેટાં-બકરાં ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં વીત્યું હતું. તેમણે સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે જનોઈ ધારણ કરી વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે કામ કર્યું હતું. અંગ્રેજો, જમીનદારો અને શાહુકારો દ્વારા થતા આદિવાસીઓના શોષણ સામે તેમણે ઈ.સ. 1895માં 'ઉલગુલાન' નામના વ્યાપક આંદોલનનું નેતૃત્વ લીધું. તેમણે સમાજમાંથી દારૂબંધી, અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવા હાકલ કરી તથા ગૌરવપૂર્ણ જીવન જીવવા અને એક જગ્યાએ રહી ખેતી કરવા જણાવ્યું. અંગ્રેજોએ તેમની ધરપકડ કરી. બે વર્ષ બાદ જેલમાંથી મુક્ત થઈ તેમણે સફેદ ઝંડાવાળું બિરસારાજ ચળવળ મજબૂત બનાવી. ઈ.સ. 1900માં તેમનું અવસાન થયું હતું.
(2) રૈયતવારી પદ્ધતિ
જવાબ : ઓગણીસમી સદીની શરૂઆતમાં ઈ.સ. 1820માં મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા તે સમયના મદ્રાસના ગવર્નર થૉમસ મુનરો હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનાર (રૈયત)ને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું રહેતું હતું. જોકે, આ પ્રથાથી ખેડૂતોને માલિકી હકનો વાસ્તવિક ફાયદો થતો ન હતો, કારણ કે : (1) જમીનનું મહેસૂલ ઘણું વધારે હતું. (2) સરકાર મરજી મુજબ મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. (3) પાક ના પાકે કે કુદરતી આફતોથી નાશ પામે તોપણ ખેડૂતે ફરજિયાત મહેસૂલ ભરવું જ પડતું હતું.
(3) મહાલવારી પદ્ધતિ
જવાબ : મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર-પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈ.સ. 1822માં આ પદ્ધતિ દાખલ કરી હતી. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગામ કે ગામના સમૂહ માટે 'મહાલ' શબ્દ વપરાતો હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પરંતુ સમગ્ર ગામ કે ગ્રામની જમીનનો સમૂહ હતો. આ પદ્ધતિમાં સમગ્ર ગામનું સર્વેક્ષણ કરી, ખેતરોના ઉત્પાદનની આવક વગેરે બાબતો ધ્યાને રાખીને મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. જમીન મહેસૂલ ઉઘરાવી સરકારમાં જમા કરાવવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી હતી. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ.
પ્રશ્ન 2. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું ?
જવાબ : કાયમી જમાબંધી પદ્ધતિમાં જમીનદારોને જમીન અને મહેસૂલ વસૂલીના તમામ અધિકારો આપવામાં આવ્યા હતા. ખેડૂતે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદારે સરકારને દર વર્ષે નક્કી કરેલી રકમ જમા કરાવવાની હોવાથી તેઓ ખેડૂતો પર અમાનુષી અત્યાચાર અને જુલમ ગુજારીને પણ મહેસૂલ વસૂલ કરતા. જો ખેડૂત મહેસૂલ ન ભરી શકે તો તેની જમીન જપ્ત કરી લેવામાં આવતી અથવા શાહુકારોના દેવાની જાળમાં ફસાઈ જમીન ગુમાવવી પડતી. કંપની સરકારને ખેડૂતોના વિકાસમાં કોઈ રસ ન હતો. પરિણામે ખેડૂતો કંગાળ અને દેવાદાર બન્યા અને તેમનું પારાવાર શોષણ થયું.
(2) અઢારમી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી ?
જવાબ : બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. યુરોપમાં જેની ઊંચી માંગ હતી તેવા પાકો જેવા કે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરી, ચા અને શેરડીનું ઉત્પાદન કરવા ખેડૂતોને મજબૂર કરવામાં આવતા. આ પાકોનું નીચા ભાવે વેચાણ કરવા ખેડૂતોને ફરજ પડાતી. ખેડૂતોને વાવેતર માટે પરાણે ધિરાણ આપી દેવાદાર બનાવવામાં આવતા. ભારતના કાચા માલથી ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા ગયા જ્યારે ભારતીય ખેતી પાયમાલ બની. ખેડૂતો વધુ ને વધુ ગરીબ બની જમીનવિહોણા ખેતમજૂરો બની ગયા.
(3) યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી ?
જવાબ : ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું અને તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. કાપડ પર ભારતની ગળીનો રંગ અતિ તેજસ્વી અને ચમકતો ઉપસતો હતો, જેવો રંગ અન્ય કોઈ ગળીથી આવતો ન હતો. ઈ.સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કૅરેબિયન દેશોમાંથી મેળવતા હતા. પરંતુ ત્યાં તેનું ઉત્પાદન ઘટી જતાં યુરોપમાં કાપડ ઉદ્યોગના વિકાસ સાથે ભારતીય ગળીની માંગ ખૂબ મોટા પાયે વધવા લાગી હતી.
(4) અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો.
જવાબ : અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં જનજાતિઓ વિવિધ પ્રવૃત્તિઓ કરતી હતી : (1) કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરીને તેમજ શિકાર કરીને જીવન જીવતા હતા. જેમ કે ઓડિશાના ખોંડ અને છોટાનાગપુરના મુંડા સમુદાયો જંગલમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ એકત્ર કરી સ્થાનિક બજારોમાં વેચતા. (2) કેટલાક સમુદાયો પશુપાલન સાથે જોડાયેલા હતા; જેમ કે પંજાબના વનગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા ગાય-ભેંસ પાળતા, જ્યારે કશ્મીરના બકરવાલ અને કુલ્લુના ગદી સમુદાયો ઘેટાં-બકરાં પાળતા. (3) આદિવાસી સમૂહો મુખ્યત્વે બે પ્રકારની ખેતી કરતા : જંગલો કાપી-સળગાવીને અસ્થાયી રીતે કરાતી 'સ્થળાંતરીય ખેતી' અને છોટાનાગપુરના મુંડાઓ, ગોંડ તથા સંથાલો દ્વારા કરાતી 'સ્થાયી ખેતી'.
પ્રશ્ન 3. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :
(1) ભારતમાં ગળી-ઉત્પાદનની કેટલી પ્રથા હતી ?
(A) એક (B) બે (C) ત્રણ (D) સંખ્યાબંધ
સાચો જવાબ : (B) બે (નિજ અને રૈયતી)
(2) ઈ.સ. 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી ?
(A) કલકત્તા (કોલકાતા) અને મુંબઈ (B) મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) (C) દિલ્લી અને કલકત્તા (કોલકાતા) (D) કલકત્તા (કોલકાતા) અને મદ્રાસ (ચેન્નઈ)
સાચો જવાબ : (B) મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ)
(3) વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો ?
(A) મુંડા (B) કોલ (C) સંથાલ (D) કોયા
સાચો જવાબ : (C) સંથાલ
(4) આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા ?
(A) બિરસા મુંડા (B) ઠક્કરબાપા (C) જુગતરામ દવે (D) આમાંથી એક પણ નહિ
સાચો જવાબ : (A) બિરસા મુંડા
إرسال تعليق