ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | std-8 [social-science] 6. svatantrya-chalvalo (1870 to 1947)

GSEB Std 8 Social Science Chapter 6 Swadhyay Solution: અહીં ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 6 "સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1885 થી ઈ.સ. 1947)" (Svatantrya Chalvalo) ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, પાઠના મુખ્ય મુદ્દાઓ (IMP Notes), રાષ્ટ્રવાદનો ઉદ્ભવ, કોંગ્રેસની સ્થાપના, મવાળ અને જહાલવાદી નેતાઓ, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તેમજ ગાંધીજીની ચળવળોનું સંપૂર્ણ માર્ગદર્શન સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.

GSEB Std 8 Social Science Chapter 6 Svatantrya Chalvalo Swadhyay Solution

✦ અગત્યના મુદ્દાઓ (Std 8 Social Science Ch 6 IMP Notes) ✦

  • રાષ્ટ્રવાદનો ઉદ્ભવ : પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના એટલે રાષ્ટ્રવાદ. બ્રિટિશ શાસનના સમાન કાયદાઓ, આર્થિક શોષણ, અંગ્રેજી કેળવણી, પુરાતત્વીય સંશોધનો અને અખબારોએ રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા.
  • કોંગ્રેસની સ્થાપના : 28 ડિસેમ્બર, 1885 ના રોજ એ. ઓ. હ્યુમના પ્રયત્નોથી મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) નું પ્રથમ અધિવેશન મળ્યું, જેના પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનરજી હતા.
  • મવાળ અને જહાલવાદ : શરૂઆતના નેતાઓ (દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે) અરજીઓ અને ચર્ચાઓ દ્વારા વિરોધ કરતા હોવાથી 'મવાળવાદી' તરીકે ઓળખાયા. જ્યારે લાલ-બાલ-પાલ (લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક, બિપીનચંદ્ર પાલ) ઉગ્ર અને આક્રમક સ્વરાજની માંગણી કરતા હોવાથી 'જહાલવાદી' કહેવાયા. ટિળક મહારાજે સૂત્ર આપ્યું: "સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, અને હું તેને મેળવીને જંપીશ."
  • બંગાળના ભાગલા (ઈ.સ. 1905) : વાઈસરોય કર્ઝને 'ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિ હેઠળ બંગાળના ભાગલા પાડ્યા, જેની સામે સ્વદેશી આંદોલન અને બહિષ્કારની ચળવળ શરૂ થઈ. પરિણામે 1911 માં ભાગલા રદ કરવા પડ્યા.
  • ક્ર્રાંતિકારી પ્રવૃત્તિઓ : વાસુદેવ બળવંત ફડકે, ચાફેકર બંધુઓ, વિનાયક સાવરકર (અભિનવ ભારત), ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહે માતૃભૂમિ માટે સશસ્ત્ર બલિદાન આપ્યા. શ્યામજીકૃષ્ણ વર્માએ લંડનમાં 'ઇન્ડિયા હાઉસ' ની સ્થાપના કરી.
  • ગાંધીજીનું આગમન અને સત્યાગ્રહ : ઈ.સ. 1915 માં ગાંધીજી ભારત પરત ફર્યા. તેમણે ચંપારણ સત્યાગ્રહ (ગળીના ખેડૂતો માટે), ખેડા સત્યાગ્રહ અને અમદાવાદના મજૂર આંદોલન સફળ બનાવ્યા.
  • અસહકાર આંદોલન (ઈ.સ. 1920) : વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, શાળા-કોલેજો અને અદાલતોનો ત્યાગ કરવા સાથે રચનાત્મક કાર્યો શરૂ થયા. ચોરીચોરાની હિંસક ઘટના (1922) ને કારણે ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખ્યું.
  • દાંડીકૂચ (ઈ.સ. 1930) : મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12 માર્ચ, 1930 ના રોજ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી અને 6 એપ્રિલે મીઠાનો કાયદો તોડી સવિનય કાનૂન ભંગની શરૂઆત કરી.
  • હિંદ છોડો આંદોલન (ઈ.સ. 1942) : 8 ઓગસ્ટ, 1942 ના રોજ મુંબઈમાં 'હિંદ છોડો' નો ઠરાવ પસાર થયો. ગાંધીજીએ "કરો અથવા મરો" નો મંત્ર આપ્યો.
  • આઝાદ હિંદ ફોજ : સુભાષચંદ્ર બોઝે 'ફૉરવર્ડ બ્લૉક' ની સ્થાપના કરી અને વિદેશ જઈ 'આઝાદ હિંદ ફોજ' નું પુનર્ગઠન કર્યું. તેમણે "ચલો દિલ્લી" અને "તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા" નારા આપ્યા.
  • સ્વાતંત્ર્ય પ્રાપ્તિ : માઉન્ટ બેટન યોજના અનુસાર જુલાઈ 1947 માં હિંદ સ્વાતંત્ર્યધારો પસાર થયો અને 15 ઓગસ્ટ, 1947 ના રોજ ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 8 Social Science Chapter 6 Swadhyay Solution) ✦

પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :

(1) બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ________ તરીકે ઓળખાયા.
જવાબ : બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા.

(2) ગાંધીજીએ “ડુંગળી ચોર”નું બિરુદ ________ ને આપ્યું.
જવાબ : ગાંધીજીએ “ડુંગળી ચોર”નું બિરુદ મોહનલાલ પંડ્યા ને આપ્યું.

(3) “ચલો દિલ્લી” સૂત્ર ________ એ આપ્યું.
જવાબ : “ચલો દિલ્લી” સૂત્ર સુભાષચંદ્ર બોઝ એ આપ્યું.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો :

(1) મવાળવાદી નેતાઓમાં કયા-કયા નેતાઓનો સમાવેશ થતો હતો ?
જવાબ : મવાળવાદી નેતાઓમાં દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, ગોપાલકૃષ્ણ ગોખલે, અને દિનેશ વાચ્છા વગેરેનો સમાવેશ થતો હતો.

(2) ગાંધીજીએ રોલેટ ઍક્ટને “કાળો કાયદો” શા માટે કહ્યો ?
જવાબ : રોલેટ ઍક્ટ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ શંકાસ્પદ રીતે કારણ આપ્યા વિના કરી શકાતી હતી તથા વ્યક્તિગત સ્વતંત્રતા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેથી ગાંધીજીએ તેને “કાળો કાયદો” કહ્યો.

(3) ભારતના લોકોએ શા માટે “સાયમન કમિશન”નો બહિષ્કાર કર્યો ?
જવાબ : સાયમન કમિશનમાં સાતેય સભ્યો અંગ્રેજો હતા અને તેમાં એકપણ ભારતીય સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, તેથી ભારતના લોકોએ તેનો બહિષ્કાર કર્યો.

(4) ગાંધીજીએ “અસહકાર આંદોલન” શા માટે મોકૂફ રાખ્યું ?
જવાબ : ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચોરીચોરા ગામે હિંસક ટોળાએ પોલીસ સ્ટેશનને આગ ચાંપતા 22 પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા. આ હિંસાથી વ્યથિત થઈને ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખ્યું.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :

(1) ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે ક્યાં-ક્યાં પરિબળો જવાબદાર હતાં ?
જવાબ : ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે નીચેના પરિબળો જવાબદાર હતાં :
1. રાજકીય એકતા : અંગ્રેજોના એકહથ્થુ શાસનને કારણે દેશમાં સમાન કાયદો અને વહીવટ સ્થપાતા રાષ્ટ્રીય એકતાનાં બીજ રોપાયાં.
2. આર્થિક અસંતોષ : અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિથી ખેડૂતો પાયમાલ થયા અને કારીગરો બેરોજગાર બન્યા, જેનાથી અંગ્રેજો વિરુદ્ધ રોષ વ્યાપ્યો.
3. અંગ્રેજી કેળવણી અને સાહિત્ય : પાશ્ચાત્ય શિક્ષણે સ્વતંત્રતા અને સ્વશાસનની ઝંખના જન્માવી. રાષ્ટ્રીય સાહિત્ય અને વર્તમાનપત્રોએ જાગૃતિ ફેલાવી.
4. પ્રાચીન વારસાની શોધ : ભારતીય ગ્રંથોના અનુવાદ અને પુરાતત્વીય શોધખોળથી ભારતીય સંસ્કૃતિની ભવ્યતા ઉજાગર થઈ.
5. વાહન-વ્યવહાર અને સંદેશાવ્યવહાર : રેલવે, તાર અને ટપાલની શરૂઆતથી દેશના લોકો નજીક આવ્યા.

(2) ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો.
જવાબ : ભારતમાં સ્વરાજ મેળવવા માટે ક્રાંતિકારીઓએ સશસ્ત્ર લડત ચલાવી હતી :
- વાસુદેવ બળવંત ફડકેએ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી.
- મહારાષ્ટ્રમાં ચાફેકર બંધુઓએ પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરી.
- વિનાયક દામોદર સાવરકરે ‘અભિનવ ભારત’ સંસ્થાની સ્થાપના કરી.
- બંગાળમાં અનુશીલન સમિતિની સ્થાપના થઈ; ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકીએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી.
- રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાખાને કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો.
- ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહે મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંકી બ્રિટિશ સરકાર સામે પ્રચંડ અસંતોષ વ્યક્ત કર્યો.

(3) દાંડીકૂચ વિશે ટૂંક નોંધ લખો.
જવાબ : ઈ.સ. 1930 માં ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢવાનું નક્કી કર્યું. 12 માર્ચ, 1930 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ સાથે તેમણે દાંડીકૂચ શરૂ કરી. અસલાલી, નડિયાદ, આણંદ, રાસ થઈને 370 કિમીની કૂચ કરી તેઓ 5 એપ્રિલે દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ સવારે ગાંધીજીએ દરિયાકિનારે મીઠું હાથમાં લઈ મીઠાનો કાયદો તોડ્યો અને સવિનય કાનૂન ભંગની લડત શરૂ થઈ. આ કૂચથી સમગ્ર દેશમાં અંગ્રેજ વિરોધી અભૂતપૂર્વ ચેતના જાગી.

(4) “હિંદ છોડો” આંદોલન વિશે માહિતી આપો.
જવાબ : 8 ઓગસ્ટ, 1942 ના રોજ મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ઐતિહાસિક “હિંદ છોડો” નો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ આ સમયે પ્રજાને "કરો અથવા મરો" (Do or Die) નો મંત્ર આપ્યો. 9 ઓગસ્ટે વહેલી સવારે ગાંધીજી સહિતના તમામ મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી. તેનાથી દેશભરમાં ઉગ્ર આંદોલન ફાટી નીકળ્યું. વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સામાન્ય લોકોએ સરકારી મકાનો, રેલવે અને તાર-માર્ગોને નુકસાન પહોંચાડ્યું. આ લડતે અંગ્રેજોને હચમચાવી નાખ્યા અને સાબિત કરી દીધું કે હવે ભારતમાં વધુ સમય શાસન કરવું અશક્ય છે.

✦ પ્રવૃત્તિ અને વિશેષ માહિતી (Activities & Extra Knowledge) ✦

● માનગઢ હત્યાકાંડ (17 નવેમ્બર, 1913) :

  • ગુજરાત-રાજસ્થાનની સરહદ પર માનગઢ ડુંગર પર ગોવિંદ ગુરુની ભગત ચળવળથી ભીલોમાં જાગૃતિ આવી.
  • 17 નવેમ્બર, 1913 ના રોજ હજારો ભીલો અંગ્રેજો અને દેશી રાજ્યો સામે મુક્તિ મેળવવા એકત્ર થયા ત્યારે બ્રિટિશ લશ્કરે હુમલો કર્યો જેમાં 1200 થી વધુ આદિવાસીઓ શહીદ થયા. ગોવિંદ ગુરુની ધરપકડ કરવામાં આવી.

● આઝાદ હિંદ ફોજ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ :

  • સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસમાંથી રાજીનામું આપી 'ફૉરવર્ડ બ્લૉક' ની સ્થાપના કરી.
  • જાપાનમાં રાસબિહારી બોઝ દ્વારા સ્થાપિત આઝાદ હિંદ ફોજના તેઓ સર્વોચ્ચ વડા બન્યા.
  • તેમણે "ચલો દિલ્લી" અને "તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા" નારા આપ્યા તેમજ 'લક્ષ્મીબાઈ બ્રિગેડ' નામે મહિલા બ્રિગેડ બનાવી.

✦ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના અન્ય તમામ પાઠોના સોલ્યુશન ✦

1. યુરોપિયનો અને શાસન સ્થાપના 2. ભારતમાં બ્રિટિશ શાસન 3. પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ 4. શહેરો અને ઉદ્યોગો 5. શિક્ષણ અને સમાજવ્યવસ્થા 6. સ્વાતંત્ર્ય-ચળવળો 7. આધુનિક ભારતમાં કલા 8. સ્વતંત્રતા પછીનું ભારત 9. સંસાધન 10. ખનિજ અને ઊર્જા 11. ખેતી 12. ઉદ્યોગ 13. માનવ-સંસાધન 14. આપત્તિ-વ્યવસ્થાપન 15. ભારતીય બંધારણ 16. સંસદ અને કાયદો 17. ન્યાયતંત્ર 18. સામાજિક ન્યાય 19. સરકારની ભૂમિકા

✦ ધોરણ 8 ના અન્ય તમામ વિષયો ✦

Post a Comment

أحدث أقدم